જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે ૨૦ વર્ષ જૂના લગ્નજીવનમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે. ઘરકામ જેવી સામાન્ય બાબતે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ પતિ અને સસરા વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવની વિગત મુજબ, હાલ બગસરાના ઘંટીયાણ ગામે રહેતા કંચનબેન મંગાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)એ વિસાવદરના વેકરીયા ગામના પતિ અરવિંદભાઇ ડાયાભાઇ પરમાર તથા સસરા ડાયાભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના લગ્ન ૨૦ વર્ષ પહેલાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નનો શરૂઆતનો સમય સારો વિત્યા બાદ, પતિ અને સસરાએ નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ તેણીને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો, જેમાં સસરાએ પણ સાથ આપ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એસ. વાળા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.