અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં પોતાના જ સગા નાના ભાઈની કરપીણ હત્યા કરનારા  શખ્સને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. પ્રિન્સીપાલ જજ હેમાંગ આર. રાવલે આ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો સાબિત થાય છે અને સમાજમાં દાખલો બેસાડવા માટે આવી કડક સજા અનિવાર્ય છે. હાલનો કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ના વ્યાપમાં આવતો નથી, આરોપી સામે હત્યાનો ગંભીર ગુનો પુરવાર થાય છે.

રાયપુર દરવાજા બહાર આવેલા કંટોડિયા વાસમાં રહેતા વિપુલ ભીમસીંગભાઈ ચુનારાએ ગત તા. ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પોતાની પત્ની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ પારિવારિક વિવાદમાં વચ્ચે પડી વિપુલના નાના ભાઈ નીતિનભાઈ ચુનારા તથા પરિવારના અન્ય સભ્યોએ પતિ-પત્નીને છોડાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આવેશમાં આવેલા વિપુલે નીતિનભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે નીતિનભાઈનું મોત નીપજ્યું હતું.

મૃતકની પત્ની મનીષાબેન ચુનારાએ આ મામલે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિપુલ ચુનારાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ પટેલે દલીલ કરી હતી કે, સમાજમાં હિંસા અને મનુષ્યવધના બનાવો સતત વધી રહ્યા છે. આરોપીએ પોતાના જ ભાઈની હત્યા કરી હોવાથી તેને કડકમાં કડક સજા મળવી જાઈએ જેથી સમાજમાં યોગ્ય સંદેશ જાય. કોર્ટે તમામ સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખતા જણાવ્યું હતું કે, જાકે આ કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ની શ્રેણીમાં આવતો નથી, પરંતુ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નિશંકપણે પુરવાર થાય છે. ન્યાયહિતને ધ્યાનમાં રાખીને કોર્ટે વિપુલ ચુનારાને આજીવન કેદની સજા ફટકારી છે.