ખાંભામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોનો વિરોધ કરતા પત્ની પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમજ તારા લીધે સંતાન થતા નથી કહી મારઝૂડ કરી હતી. હાલ ચલાલામાં રહેતા શિલ્પાબેન હરિભાઇ વાળા (ઉ.વ.૩૪)એ ખાંભામાં રહેતા પતિ મુકેશભાઇ દામજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પતિને અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેમને થતા તેણે આ બાબતે પતિને ઠપકો આપ્યો હતો. પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી પત્નીએ તેને ઘર ચલાવવા માટે વ્યવસાય કરવા જણાવ્યું હતું, જે બાબતે આરોપી પતિએ ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. આરોપી પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો અને કામ બાબતે પત્ની સાથે માથાકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. નિર્દયતાની હદ વટાવતા પતિએ તારા લીધે સંતાન થતા નથી તેમ કહી પત્નીને મેણા-ટોણા માર્યા હતા. તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો.