રાગ – વૈરાગ – ૨૦
અચાનક એક જોરદાર પથ્થર આવ્યો. અને ધડીમ કરતો આનંદના ચહેરા ઉપર જ વીંઝાયો. આનંદ લથડયો અને મોટરસાઈકલ સ્લીપ થઈ ગઈ. અને બંને રસ્તા ઉપર જોર થી પછડાયા..એ જ વેળાએ….ચાર ઓળા આનંદ ઉપર તૂટી જ પડ્‌યા..ધોકા,લાઠી,હોકી અને આડહર ના અસહ્ય મારથી આનંદ બેવડો વળી ગયો.પણ એજ વેળાએ દૂર થી કોઈ વાહનની લાઇટ ઝબકી.અને પેલા ઓળા ચેત્યા.વાહન ઝડપથી આ તરફ આવી રહ્યું હતું.અને પેલા ઓળા ભાગ્યા.આનંદ અધમૂઓ તો થઈ ગયો હતો.પણ ભગવાને તેને જીવવાની એક તક આપી હતી.એ અંધારાનો લાભ લઈને ઢસડાતો ઢસડાતો ભાગી છૂટ્યો.પેલા ઓળાની વિરુધ્ધ દિશામાં બાવળની ઘટાટોપ ઝાડીમાં ખૂબ ઊંડે ઊતરી ગયો.અને ત્યાં આવતી એક ખાઇ ટપીને અંધારામાં બંને અલોપ થઈ ગયા..ભગવાનનો પાડ કે કોઈ મસીહો એવા રસ્તે વાહન લઈને નીકળ્યો નહીતર આજે પોતે જીવતો ના રહ્યો હોત!એ તો ઠીક,પણ રૂપાની આબરૂ લૂંટાઈ ગઈ હોત! એ કલ્પના માત્ર થી પોતે ધ્રૂજી ગયો.કે જો એવું થયું હોત તો પોતે રાવજીભાઈ ને મોઢું શું બતાવેત??!અંધારી રાત હતી. તમરાં ના ત્રમ ત્રમ અવાજ રાતને વધુ ઘેરી બનાવતા હતા.ક્યાંક દૂરથી તો ક્યાંક સાવ ઓરેથી સુક્કા પાંદડા ઉપર પડતા રાની હિંસક પ્રાણીઓના પગલાં રાતને વધુ બિહામણી બનાવતા હતા.તો નજર સામે ઊભેલા આંકડાના છોડ જોઈને એમ લાગતું હતું કે કોઈ નજર સામે જ ઊભું છે.!
રૂપા ડરી જઈને ,એક ચીસ પાડી જઈને આનંદ ને વળગી જતી અને આનંદ એને પોતાની બાહુપાશમાં સમાવી લેતો હતો!
‘ક્યાં હતો તું બોલ?’ આનંદે રૂપાને લઈને ડેલામાં પગ મૂક્યો એજ વેળાએ રાવજી ત્રાડયો.ડેલાની બહાર માણસોનું મોટ્ટું ટોળું જામેલું હતું.તો ડેલામાં પણ કેટલાય સ્ત્રી પુરુષો ઊભા હતા. આનંદ ધીમી ચાલે આવીને રાવજી સામે ઊભો રહ્યો.અને રૂપા દોડીને મા પાસે જતી રહી અને માં ને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..
રાવજી હવે ખુન્નસ ઉપર આવી ગયો હતો.
એ ચિલ્લાતો હતો,‘‘તને પૂછું છું નકટા , પાપિયા, હરામખોર.,..મારી દીકરીને આખી રાત તું ક્યાં લઈને ચાલ્યો ગયો હતો??’’
‘હું સાચું કહું છું. મારાં માબાપનાં સોગંદ ખાઈને કહું છું કે મોહનલાલની મોટરસાઈકલ લઈને હું અને રૂપા આવતાં હતા કે કોઈએ મારા ઉપર ખૂબ મોટા પાણાંનો ઘા કર્યો. હું પડી ગયો. એજ વેળા મારા માથા ઉપર કોઈની લાત, મુક્કા, અને એક લાકડી, લાઠી,અને હોકી ના ઘા થયા.મારા શરીર ઉપર,મારા માથા ઉપર ફટકા પડ્‌યા.કોઈ ચાર ચાર જણ મારી ઉપર તૂટી પડ્‌યા હતા… મને તમ્મર આવી ગયા. મારી આંખોમા અંધારા આવી ગયા. લાલપીળું દેખાવા મંડ્‌યું. મારી આંખો સામે મેં ચાર.ચાર ઓળા જોયા. એ લોકો રૂપીને ખેંચીને ક્યાંક લઈ જતા હતા. મેં મારામાં જેટલું બળ હતું એ વાપરીને એમનો સામનો કર્યો. આજે મારી કસોટી હતી. હું સમજયો હતો કે જો આ મોકો ચૂકી જઈશ તો રૂપાની જીંદગી ખાનાખરાબ થઈ જવાની અને લૂંટાઈ જવાની હતી. એ લોકો હું ખૂબ ઝઝૂમ્યો ઝનૂન ઉપર અને જીંદગીના દાવ ઉપર આવી ગયો. એ લોકો મારૂં રૌદ્ર સ્વરૂપ જોઈને કે પછી ઈશ્વરીય ચમત્કાર થયો હોય, એ જ વેળાએ કોઈ વાહનની લાઇટના શેરડા પડ્‌યા અને એ લોકો ભાગી ગયા. એ કોણ હતા એ ઓળખી નહોતો શક્યો…’’
આનંદે બુશર્ટ ની બાંય ઊંચી કરી.પેટ ઉપરથી પણ શર્ટ ઉપર ખેંચ્યો,‘‘જુઓ,આ ઘા જુઓ..પછી મને કહેજો..’’
“રહેવા દે..રહેવા દે..એ તારી બધી લીલા..એ બધા ઘા દેખાડા ના અને ખોટા છે.અને તું ય પગથી તે ઠેઠ માથા લગી નરાતાળ ખોટ્ટો છો..”રાવજી ચિલ્લાયો ,”“.પણ હું તને જાણું છું કાળમુખા! તે જેની થાળીમાં ખાધું એની જ થાળીમાં થુંક્યો??? આ બધી તારી ઉપજાવી કાઢેલી વારતા છે. તરકટ છે. જૂઠ છે જૂઠ! તેં મારી પારેવડી જેવી દીકરીને ફસાવી છે. અને આ બોલતા પુરાવા છે. જો, આ તારી લીલા..! મને આજે જ ફોટા મળ્યાં ત્યારે મને ખબર પડી. અત્યાર સુધી મને એક- બેવાર છાની છપની વાતતો મળી હતી. પણ મેં તારી ઉપર વિશ્વાસ રાખીને વાત કરવા વાળાને એનું મોઢું કાળુ કરવા કહ્યું હતું. પણ મને ખબર નહોતી કે તું જ આવો દગાબાજ હોઈશ. હકીકતમાં તો તું જ કાળા મોઢાળો હતો. કહેતા એક ફેંટ આનંદને ઝીંકી દીધી. આનંદનો માત્ર ગાલ નહીં પણ જાણે હૃદય ચિરાઈ ગયું.
‘આ ફોટા?’ આશ્ચર્ય પામીને આનંદે કહ્યું ઃ ‘પણ આ ફોટા તો મેળાંના છે. આ જુઓ, ચકડોળ, છત્રીઓ, રાવટીઓ, રાવટીની ચંદણી, રાહડા લેતી સ્ત્રીઓ અને અમે એકલા નહોતા. બધાની હાજરી હતી જ. અને આ ફોટા અમે તો કોઈએ લીધા નથી.’
‘હા બચ્યું….તું પોપટ છો. ખબર છે અમને. તે બધાને ઉટપટાંગ સમજાવે છે…’ ઓરડામાંથી બહાર આવતો જયચંદ બોલી ઉઠ્‌યોઃ “અરે, આ તો માત્ર તારી મેળાની બે દિવસની જ પાપલીલાનો પૂરાવો છે. અરે, ભોળી, ગભરૂડી
પારેવડી જેવી છોકરીને ફસાવતા શરમ ન આવી શરમ? તું શિક્ષક છો કે કોણ છો ?લ્યાનત છે તને, બિચારી રાવજીકાકાની જુવાન દીકરી સાથે આમ કેટલા દિવસથી રમત રમી રહ્યો છે બોલ? હવે એના પૂરાવાતો અમારે મનોમન કલ્પી લેવાનાં ને?” બોલતા બોલતા રાવજી તરફ ફર્યોઃ “કાકા, આને તમે એટલો મારો, એટલો મારો કે એના હાડકાં ભાંગી જવા જોઈએ. ભવિષ્યે એ ઊભો ન થઈ શકવો જોઈએ.”
ચંદ્રકાન્તભાઈ આગળ આંખ નીતરતા અવાજે આનંદ કહી રહ્યો હતો: ‘‘ ..તે દિવસની રાતે હું રૂપાને લઈને આડબીડ ભાગ્યો છું. મારા જીવને જોખમે અને મારા અસ્તિત્વને દાવ પર લગાડીને ભાગ્યો છું. એનું શિયળ બચાવવા. એની આબરૂ ને વાસ્તે…હું છાતી ચીરીને તો નહીં બતાવી શકું ને?’’
“આનંદ, હું તારી સાચકલાઈ પારખું છું. પણ હવે તું અહીંથી ચાલ્યો જા. હવે આ ગામમાં ક્યારેય આવતો નહીં.”
બે મહીનાની સળંગ રજા લઈને આનંદ નીકળી ગયો. રજા પૂરી થઈને એ આવ્યો. પણ કલાક પૂરતો જ! અને સામાન- બિસ્ત્રો પેક કરીને મેડાની નીચે ઉતર્યો. નીચે દૃષ્ટિ કરી. રૂપા ઊભી હતી. થંભ્યો ઘડીક !..અને પછી બેગ લઈને ધીરે ધીરે કરતા ચાલતો થયો. રૂપા તેને ભીનાં નેત્રે તાકી રહી. ફરી, એક પળ આનંદ થંભી ગયો. પાછું ફરીને જોયું.
રૂપા હડી કાઢીને આવી. પણ આનંદ બે- ચાર ડગલાં પાછળ હટી ગયો.
એ સાથેજ રૂપાના રૂદન સાથે હારબંધ ડૂસકાં નીકળી ગયા. તો આનંદની આંખોય ક્યાં કોરી હતી? આનંદ પણ આંખો લૂછતો લૂછતો ડેલા તરફ ચાલતો થયો.
ડેલાની ડોકાબારીની અંદરની તરફ એક ખુશીની અને સમણાંની દુનિયા હતી. જે કેટલાંક પાપી માણસોએ રંજાડી નાખી હતી. ડોકાબારીની પેલી તરફ વેરણ છેરણ અરમાન હતા. નંદવાઈ ગયેલા સમણાં હતા. એણે ખુશીથી ઉજવેલી ક્ષણો, આટલાં સમયનું માણેલું ભર્યું ભર્યું સુખ, એ ભીનો ભીનો સંગ અને સંગત સાથેના શમણાં ડોકાબારીની આ તરફ જ છોડી દીધા, ખંખેરી નાખ્યા. વેગળા કરી નાખ્યા. હૈયામાંથી! અને ડોકાબારીની પેલી બાજુએ પગ મૂક્યો, એ ભેળું જ બધું કપાઈ ગયું. જીવતરથી, જીવથી અને અસ્તિત્વથી ….
ડોકાબારી બંધ કરતા રૂપા સામે જોયું. આંખોમાંથી અને હૈયામાંથી છલોછલ એ પણ હતી અને એ પણ હતો. બન્નેમાંથી કોઈ કશું જ ન બોલી શક્યું. બોલતી રહી…તો માત્ર ચાર આંખો!
‘મળીશું ક્યારેક, એવા એંધાણે.’ ને, એવા જનમ જનમના સંબંધે, આવતે ભવ..બોલ્યું ચાલ્યું માફ કરજો અને ક્યારેક યાદ કરજો…કરતાં કરતા..વલવલતા બન્ને હૈયા. દૂર.. દૂર…દૂર થઈ ગયા.(ક્રમશઃ)