આત્માની ઓળખ તો બહુ દૂરની વાત છે, ભીતર જ હોવા છતાં ત્યાં સુધી તો કેમ પહોંચાય ? છતાં મીરાંબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના, લખ ચોરાસી ફેરામાંથી મુક્તિ નહિ મળે. ક્યારેક તો એમ લાગે છે કે આવા કોઈ લગ ચોરાસી ફેરા હશે કે નહિ હોય, કોને ખબર ? પરંતુ મનના હિંચકા પર મનુષ્ય દિવસ અને રાત જે ફેરા માર્યા કરે છે એ તો લખ ચોરાસીથી પણ અનેક ગણા વધારે છે. ભક્ત કવિઓ અને સંતો પરલોકની વાતો કરે છે, પરંતુ એમની નજર સામે તો ઈહલોક જ હોય છે, એટલે એમની વાતો તરફ જો નિંરાતનું ધ્યાન આપવામાં તો સૌથી વધુ તો એ આ લોકમાં જ એપ્લિકેબલ હોય છે. એટલું સમજાય તો જ આ સંતવાણી અને શાસ્ત્રો કંઈકેય આપણા કામમાં આવે, નહિતર તો એ માત્ર પોતપોતાની જગ્યાએ ચમકતા વાકરત્નો કે ગ્રન્થરત્નોથી વિશેષ કશું નથી.
ભક્તિધારામાં વહેતી અનેક રચનાઓ એવી છે કે એના આખા વિશ્વને કદાચ આપણે ન પામી શકીએ તો કંઈ નહીં એમાં એકાદ પંક્તિ ગળે ઉતરે તોય બહુ છે. મીરાંબાઈએ બીજી પંક્તિમાં કહ્યું કે ભ્રમણાને ભાંગ્યા વિના રે… આ ભવના ફેરા નહિ રે ટળે હો જી… ખરેખર તો એમાં આ જીવાતી જિંદગીની જ વાત છે. એમાં કોઈ પરલોકની વાત નથી. આ એક પંક્તિ પૂરતો મીરાંબાઈને મોક્ષમાં રસ નથી, એને તો જિંદગીની દડમજલમાં ભ્રમમાં મનુષ્ય જે ગોથા ખાય છે, એમાંથી એને મુક્તિ અપાવવાની તાલાવેલી છે, એટલે જ છે તેઓ કહે છે કે આ જે વર્તમાન જિંદગી છે એના ફેરા એટલે કે ધક્કા જો ઘટાડવા હોય તો ભ્રમણાને ભાંગો. એક તાડના ઊંચા ઝાડને કે પહાડને ભાંગવાનું કામ સરળ છે પણ ભ્રમણાને તો ભાંગવું હોય તો ભાંગે નહિતર ભડકો થઈને જંગલ બની જાય.
ભ્રમણા તો કોનાથી ભાંગે ને કઈ રીતે ભાંગે…? એ તો બહુ મોટી જાદુગરી છે. બહુ બધા ચિત્રો એક જ કેનવાસ પર ઉપરાઉપરી દોરાઈ ગયા બાદ એ કેનવાસને અગાઉ હતો તેવો ચાંદની જેવો શ્વેત કરવાનું આ કામ છે. આપણે મનની પાટીમાં લીટા કર્યા એ તો સત્સંગે ભૂંસાઈ પણ જાય પણ જે ઘસરકા થઈ ગયા છે એને લુપ્ત કરવાના છે. દરેક ભ્રમણા મનુષ્યના મનમાં એક અદૃશ્ય પથ રચે છે. સાધુ એને કહેવાય જે આખી પાટી કે આખો કેનવાસ બદલી આપે. જ્યાં સુધી મન કોરું કડાક ન થાય અને પછી સાવધાની ન કેળવાય તો ફરી એના એ જ ફોગટ ફેરા રહે છે. ભ્રમની એક વિશેષ લાક્ષણિકતા છે કે એ સાવ સત્યની નજીકનો જ અનુભવ આપે છે અને તે એટલી હદનો હોય છે કે પછી મનુષ્યને સત્યની જરૂર જ પડતી નથી. એને ભ્રમણા ગમવા લાગે છે. અને કાળના પ્રવાહમાં એ ભ્રમણા, મગર જેમ હાથીઓના રાજા ગજેન્દ્રને પાણીમાં ઊંડે તાણી જાય એમ મનુષ્યની જિંદગીને તાણી જાય છે. પછી મનુષ્ય હોવા છતાં જાણે કે હોતો નથી. કારણ કે એના ભવિષ્યનો સમય પણ ભ્રમણાએ એડવાન્સમાં અંકે કરી લીધો હોય છે. એટલે કે ઘડિયાળના કાંટા ફરે છે પણ ભ્રમણાનો ભોગ બનેલાનો સમય આગળ વધતો નથી. એ ત્યાં ને ત્યાં જ અટકાયેલો-ખોટકિયેલો રહે છે. ટિકટિક સંભળાય છે પણ ધબકાર હોતો નથી.
ભ્રમણામાં જ મઝા પડે એવો વિરાટ સમુદાય આ જગતમાં છે અને એના વર્તુળમાં કૂદી પડવા જેવું નથી. જિંદગી પછી ભ્રમમાં જ વહી જાય છે. ભ્રમણા સદા સત્યથી બહુ દૂર હોય છે અને મહત્ કિસ્સામાં તો સત્યથી વિપરીત હોય છે. અર્ધસત્ય એક અલગ અધ્યાય છે પણ ભ્રમણાનો તો બહુ લાંબો વંશવેલો હોય છે. એ ગળોની વેલ લીમડાને વીંટળાય એમ વીંટળાઈ જાય છે. ફેર એટલો છે કે ગળો ક્રમશઃ લીમડાની નરવી કડવાશ પોતાનામાં ધારણ કરે છે અને ભ્રમણા જેને પણ વળગે છે એને પોતાની ખતરનાક કડવાશ આપે છે. એવું નથી કે કર્મમાં જ ભ્રમણાઓ છે, ધર્મમાં તો પારાવાર ભ્રમણા છે અને તોતિંગ છે. એનું તો ખંડન કરવું જ અઘરું છે કારણ કે લાખો લોકોએ એ ભ્રમણાઓને આધાર આપીને યુગયુગોથી ટકાવી હોય છે. દોરડું ખરેખરો સાપ લાગે એ ભ્રમણાં રસપ્રદ છે કારણ કે એમાં જાનનું જોખમ નથી, પરંતુ જ્યારે ખરો સાપ, આપણને દોરડું જ લાગે ત્યારે ? ત્યારે જોવાજેવી થાય છે. આવી જોવાજેવી આ સંસારમાં એક નહિ ને એક ઘરે થતી જ હોય છે. સત્યની ઉપાસના કરવાની વાત પહેલી નજરે આધ્યાત્મિક લાગે. પણ એ પ્રથમ તો આપણી જિંદગીની દર ક્ષણે જરૂર પડે એ પ્રાણત¥વ છે. સત્યનું પૂંછડું ભૂંડે હાલે પણ પકડી રાખવું એમ સંતો અમથું તો નથી કહેતા. કારણ કે ખરા ભૂંડા હાલ તો ભ્રમણામાં રમમાણ રહેતા થાય છે. સત્યના પૂંછડા ઝાલતા જે ભૂંડા હાલ થાય છે એ તો પ્રહલાદ, હરિશ્ચંદ્ર કે વિષપાનુની મીરાં જેવા થાય છે, એનો કંઈ અનુભાવકને ક્ષોભ ન હોય,એ તો થયા કરે.