સાવરકુંડલા તાલુકાના જીરા ગામના મૂળ વતની અને સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત જમતીભાઈ નાથાભાઈ સોજીત્રાએ લોકશાહી પ્રત્યેની પોતાની અતૂટ નિષ્ઠાની ભારે કિંમત ચૂકવી છે. તેઓ ખાસ સુરતથી ખાનગી બસમાં પરિવાર સાથે મતદાન કરવા માટે વતન જીરા પહોંચ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે પણ મક્કમ મનોબળ સાથે કતારમાં ઉભા રહી તેમણે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. જોકે, મતદાન મથક બહાર નીકળ્યા બાદ અચાનક ગરમીના કારણે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ સંતાનોના પિતા અને પરિવારના મુખ્ય આધાર સ્તંભ એવા આ યુવાનના નિધનથી જીરા ગામ અને સુરત ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે.






































