અમરેલી શહેરના વ્યસ્ત ગણાતા બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે એક કાર ચાલકે ભયજનક રીતે વાહન ચલાવી બાઇક સવાર સાથે ગેરવર્તણૂક કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવ સંદર્ભે રવિરાજભાઇ વિજયભાઇ જેબલીયા (ઉ.વ. ૨૩) એ કાર ચાલક સમીરશા સુલતાનશા પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, રવિરાજભાઇ પોતાના મોટરસાઇકલ પર સવાર થઈ કામ અર્થે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરિયાદીના બાઇક સાથે અથડાય તે રીતે નજીક લાવ્યું હતું.જ્યારે ફરિયાદીએ કાર ચાલકને “જોઈને ગાડી ચલાવો” તેમ કહ્યું, ત્યારે ઉશ્કેરાયેલા કાર ચાલકે બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે ગાળો આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો. આરોપીએ ઉશ્કેરાઈને પોતાના પેન્ટના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી ફરિયાદીને બતાવી હતી અને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.