લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામના પાટીયા પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં જરખીયા ગામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારીને નાસી છૂટતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે શેડુભાર ગામના અશોકભાઇ દેવકુભાઇ વાળાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મૃતક ભરતભાઇ દેવકુભાઇ વાળા પોતાની મોટરસાયકલ લઈને જરખીયા ગામથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માલવીયા પીપરીયા ગામના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.