મરજી મુજબની લોકલ બસની માંગણી કરી મહિલા ડેપો મેનેજર સાથે તોછડુ વર્તન કર્યુ હતુ
બગસરા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર નિમીષાબેન સમરથદાન ગઢવીએ ડ્રાઇવર રામકુભાઇ બાબુભાઇ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ડેપો મેનેજર દ્વારા આરોપી ડ્રાઇવરને સુરત રૂટ પર બસ લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. આરોપી ડ્રાઈવર પોતાની ફરજ પર ગેરહાજર રહ્યો હતો. ત્યારબાદ તારીખ ૨૩/૦૩/૨૦૨૬ના રોજ ફરી ઓફિસમાં આવી પોતાની મરજી મુજબ લોકલ રૂટની માંગણી કરી તોછડું વર્તન કર્યું હતું. આ ગેરશિસ્ત બદલ ડેપો મેનેજરે વિભાગીય નિયામકને રિપોર્ટ કરતા ગત તારીખ ૨૧/૦૪/૨૦૨૬ના રોજ વિભાગીય પરિવહન અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસની જાણ થતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તારીખ ૨૨/૦૪/૨૦૨૬ના રોજ બપોરના સમયે ડેપોના ક્લાર્ક સુરેશભાઈ મકવાણાના મોબાઈલ પર ફોન કરીને મહિલા અધિકારી તથા સાહેદને બિભત્સ ગાળો આપી હતી. આરોપીએ ફોન પર જ જોઈ લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતે બગસરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કે.જી. મયા દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









































