જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી ફર્સ્ટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સાઈટ પર તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ એક કરુણ અકસ્માત સર્જાયો હતો. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજુલા ખાતે રહેતા ૨૮ વર્ષીય જય પ્રમોદ નારખેડે સવારના સમયે પોતાની ફરજ પર હતા. આશરે અગિયાર વાગ્યાના સુમારે ૬૬ કે.વી.ની લાઈન શટડાઉન હોવાનો મેસેજ મળતા તેઓ અન્ય સાથીદારો સાથે પોલ પાસે ગયા હતા. જયભાઈ પોલ પર સીરીયલ નંબર જોવા માટે ચડ્યા હતા અને જ્યારે તેઓ મોબાઈલ ફોનથી ફોટો પાડી રહ્યા હતા ત્યારે અચાનક તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા જેમાં તેમને કમરથી ઉપરના ભાગે અને મોઢા પર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવની જાણ જયભાઈના પત્ની દિપ્તીબેને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં કરી છે.









































