અખાત્રીજના પવિત્ર દિવસે ખેતી અને ખેડૂતો માટે નવા વર્ષના પ્રારંભ રૂપે દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અગતવાણી ગામે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ ઉપસ્થિત રહીને પરંપરાગત રીતે ધરતી માતાનું પૂજન-અર્ચન કર્યું હતું.અઢારેય વર્ણના લોકો જેની સાથે જોડાયેલા છે તેવા ખેડૂત સમાજના ઉત્કર્ષની કામના સાથે તેમણે હળનું પણ પૂજન કર્યું હતું. આ પ્રસંગે હિરપરાએ જણાવ્યું હતું કે, ખેતી એ ભારતનો આત્મા છે અને અખાત્રીજે ધરતીનું પૂજન કરવું એ કૃષિ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો જોડાઈને આસ્થા અને ઉત્સાહ સાથે ખેતીના નવા વર્ષને વધાવ્યું હતું.