બગસરાના અભ્યાસુઓના જણાવ્યા અનુસાર આ વર્ષે અખાત્રીજે વહેલી સવારે વાયવ્ય અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
સવારે ત્રણથી છ વાગ્યા દરમિયાન આથમણો પવન વાતા ‘વનરાજી ખીલી ઉઠશે’ તેવો ઉજળો વરતારો સાંપડ્‌યો છે. વાયવ્યના પવનની લહેરખીઓને કારણે આ વખતે વાવણી લાયક વરસાદ વહેલો થવાની પૂરી શક્યતા છે. જોકે, સવારે પાંચ વાગ્યે નૈઋત્યનો પવન પણ અનુભવાતા ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાવાની કે
ખંડવૃષ્ટિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હોળીની ઝાળ અને ચૈત્રી દનૈયાના પ્રાચીન અણસાર મુજબ એકંદરે આ વર્ષે મધ્યમ પણ ફળદાયી ચોમાસું રહેવાની શ્રધ્ધા ધરતીપુત્રો રાખી રહ્યા છે.