ભાજપના બિનહરીફ વિજેતા સભ્યોનું વિશેષ સન્માન કરાયુ

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અમરેલીની મુલાકાત લીધી હતી, જ્યાં અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો સાથે તેઓએ સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમની ગરિમાપૂર્ણ શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અપેક્ષિત કાર્યકરો અને આગેવાનોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ ચૂંટણીલક્ષી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ કાર્યકરોને માર્ગદર્શન આપતા પાંચ મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ સ્વાગત પ્રવચન દ્વારા તમામ અતિથિ વિશેષો અને કાર્યકરોને આવકાર્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ ઉમેદવારોમાં નવો જોમ અને જુસ્સો પૂરતા જણાવ્યું હતું કે ભાજપની જીત તો નિશ્ચિત જ છે, પરંતુ આપણો લક્ષ્યાંક માત્ર જીતવાનો નથી પણ વધુમાં વધુ લીડ સાથે તમામ બેઠકો પર વિજય મેળવવાનો છે. આ બેઠકમાં બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધારી નગરપાલિકાના વોર્ડ નં. ૩ ના ૪ ઉમેદવારો મનસુખભાઈ ભુવા, જયદેવભાઈ બસિયા, ગીતાબેન સૂરેશભાઈ ગમારા અને રૂપાબેન શશીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમરેલી નગરપાલિકાના વોર્ડ નં. ૨ ના મીનાબેન રવિરાજભાઈ શેખવા તેમજ વોર્ડ નં. ૮ ના વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયા અને પૂનમબેન કૌશલભાઈ સાવલિયા પણ બિનહરીફ થતા પ્રદેશ અધ્યક્ષે તેમને કેસરી ખેસ પહેરાવી વધાવ્યા હતા. દામનગર, બાબરા, જાફરાબાદ અને રાજુલામાં પણ અનેક બેઠકો બિનહરીફ થઈ છે જે પક્ષની મજબૂતી દર્શાવે છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.