ધોરાજીમાં સનાતન ધામ ઉદાસી આશ્રમ તથા નાનકશાની જગ્યા દ્વારા બાર બીજના અલખધણી રામદેવજી મહારાજના નૂતન સવરા મંડપ અખંડ પાટ જ્યોત દર્શન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાનકશા જગ્યા ગત મંડળ અને સનાતન ધામ ઉદાસી આશ્રમના મહંત ભીખૂબાપૂ નાનક, ગાદીપતિ મહંત પૂ. હર્ષદ બાપુ, મયૂર બાપુ તેમજ પૂજારી માનવ બાપુ સહિતના સેવક ગણોએ જણાવ્યું છે કે, આ મહોત્સવ આગામી તારીખ ૧૮/૦૪/૨૦૨૬, શનિવારના રોજ યોજાશે, જેની તડામાર તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, ૧૦ એપ્રિલે કુંભ સ્થાપન બાદ ૧૭ એપ્રિલે નેજા મંડપ અને સંતોના સામૈયા યોજાશે. મહોત્સવના મુખ્ય દિવસે એટલે કે ૧૮ એપ્રિલે સવરા મંડપ પ્રાગટ્ય થશે, જેમાં બપોરે મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી તથા લોકડાયરો યોજાશે. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભજન, ભક્તિ અને ભોજનના આ ત્રિવેણી સંગમમાં પંથકના હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.