ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યભરમાં કુલ ૯,૨૯૭ બેઠકો માટે ૨૫,૫૭૯ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામવાની છે. આ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન યોજાશે.
આ ચૂંટણી અનેક રીતે ખાસ બની રહી છે. લગભગ દોઢ દાયકા બાદ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદાન યોજાઈ રહ્યું છે, જેના કારણે મતદારોને મતદાન મથક સુધી લાવવા ઉમેદવારો માટે મોટી પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. વધતા તાપમાન વચ્ચે મતદાન ટકાવારી કેટલી રહે છે તે મુદ્દે રાજકીય પક્ષો તેમજ વિશ્લેષકોની નજર ટકેલી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ ૧૦,૦૦૫ બેઠકોમાંથી ૭૦૭ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આ બિનહરીફ બેઠકોમાં ભાજપે મજબૂત પ્રભાવ દર્શાવ્યો છે, જેમાં ભાજપના ૩૬૫ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે કોંગ્રેસના ૧૨ અને ૩ અપક્ષ ઉમેદવારો પણ બિનહરીફ વિજયી બન્યા છે.
વિશેષ નોંધનીય વાત એ છે કે ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ત્યાં ચૂંટણી યોજાશે નહીં, જે આ ચૂંટણીમાં એક અનોખો કિસ્સો બન્યો છે. નોંધનીય છે કે, ચિખલોડ ગામ કપડવંજમાંથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો. ચિખલોડ ગામને અગાઉ પણ કપડવંજ તાલુકામાં યથાવત રાખવા માટે ગ્રામજનોએ આંદોલન કર્યું હતું, જેથી લોકો તેમજ ઉમેદવારોમાં અસંતોષનો ભાવ પેદા થયો છે.
ઉમેદવારી પ્રક્રિયાની વાત કરીએ તો, રાજ્યભરમાં કુલ ૩૯,૩૮૯ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ચકાસણી દરમિયાન ૧૧,૪૪૪ ફોર્મ રદ થયા હતા, જ્યારે ૧,૬૫૯ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ તમામ પ્રક્રિયા બાદ હવે ૨૫,૫૭૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે.
આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જાવા મળી રહ્યો છે. ભાજપે ૯,૨૯૬ ઉમેદવારો ઉતારી મજબૂત સ્થિતિ બનાવી છે, જ્યારે કોંગ્રેસે ૮,૪૪૩ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ ૫,૨૬૧ ઉમેદવારો સાથે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ઉમેદવારો પાસે હવે પ્રચાર માટે મર્યાદિત સમય બાકી રહ્યો છે. ૨૪ એપ્રિલની સાંજે પ્રચારનો પડઘમ શાંત થઈ જશે. તેથી તમામ રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકો, સભાઓ અને ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન દ્વારા અંતિમ તબક્કામાં એડીચોટીનું જાર લગાવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન મતદાન ટકાવારીનો રહેશે. ગરમીના પ્રકોપ વચ્ચે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવું દરેક ઉમેદવાર માટે અગત્યનું બનશે. હવે જાવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં મતદારો કેટલો ઉત્સાહ દર્શાવે છે અને ગરમીની વચ્ચે લોકશાહીના આ પર્વને કેટલું સફળ બનાવે છે.