લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ધોરાજી પંથકમાં રાજકીય ગરમાવો વધ્યો છે. જોકે, આ વખતે પક્ષોના વાયદાઓ સામે ધરતીપુત્રોના પાયાના પ્રશ્નો અને તેમની વેદના ચૂંટણીનાં મુખ્ય એજન્ડા તરીકે ઉભરી આવ્યા છે. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. જયેશભાઈ લાખાણી અને અન્ય ખેડૂતોના જણાવ્યા મુજબ, સતત વધતી મોંઘવારી અને ગ્રામીણ બેરોજગારીએ સામાન્ય જનજીવન મુશ્કેલ બનાવ્યું છે. ખેતી ક્ષેત્રે મુખ્ય સમસ્યા અનિયમિત વીજ પુરવઠો છે, જેના કારણે સિંચાઈના અભાવે પાકને નુકસાન થઈ રહ્યું છે. વધુમાં, બિયારણ અને ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે, પરંતુ તેની સામે ખેત પેદાશોના યોગ્ય ટેકાના ભાવ મળતા નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ તેમના પ્રશ્નો સાંભળવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ આવતો નથી. ખેતી હવે આર્થિક રીતે નુકસાનકારક વ્યવસાય બની રહી હોવાથી ખેડૂતોમાં રોષ છે.











































