ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં સુંદરપરા ટોલ નાકાના કર્મચારીઓ વિરુધ્ધ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા આદિલ મલેક અને સાજીદ મન્સૂરીની કારમાં ફાસ્ટટેગ બેલેન્સ ઓછું હોવાથી તેમણે વાહન પાછળ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાછળ અન્ય વાહનો આવી જતાં ટોલ કર્મચારીને વાહનો હટાવવા વિનંતી કરવા છતાં તેણે સહકાર આપવાને બદલે ઉગ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ અન્ય ૫ થી ૬ કર્મચારીઓ પણ એકઠા થઈ ગયા હતા અને વાહન ચાલકો સાથે બેફામ વાણીવિલાસ કરી દાદાગીરી આચરી હતી. જ્યારે ચાલકે પોલીસને જાણ કરવાની વાત કરી ત્યારે કર્મચારીઓએ ‘ગમે ત્યાંથી પોલીસ બોલાવો, થાય તે કરી લો’ તેવી ખુલ્લી ધમકીઓ આપી હતી. વાયરલ વીડિયોના આધારે અરજદારોએ આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.









































