વર્તમાન વૈશ્વિક રાજકારણમાં ઈરાન એક એવું કેન્દ્રબિંદુ બની ગયું છે જે પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ માટે મોટો પડકાર છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રશિયા કે ચીન જેવા મોટા દેશોના સીધા સૈન્ય સહકાર વિના કોઈ પણ મધ્યમ કદનો દેશ અમેરિકા સામે ટકી ન શકે, પરંતુ ઈરાને આ ધારણાને ખોટી સાબિત કરી છે. ઈરાનની આ મક્કમતા પાછળનું મુખ્ય કારણ તેનું મજબૂત વૈચારિક માળખું અને દાયકાઓથી ચાલી આવતી આત્મનિર્ભરતા છે. ઈરાન પોતાની સુરક્ષા માટે કોઈ બાહ્ય શક્તિ પર નિર્ભર રહેવાને બદલે પોતાની સ્વદેશી મિસાઈલ ટેકનોલોજી અને ડ્રોન ક્ષમતા પર વિશ્વાસ રાખે છે. તે જાણે છે કે જો તે અમેરિકાની તમામ શરતો સ્વીકારી લેશે, તો તે તેની સાર્વભૌમત્વ અને ઇસ્લામિક ક્રાંતિના આદર્શોનો અંત ગણાશે. આ જ કારણ છે કે તે કોઈપણ ભોગે સમાધાન કરવા તૈયાર નથી, કારણ કે અમેરિકાની શરતોમાં ઘણીવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવો અને તેના પ્રાદેશિક પ્રભાવને મર્યાદિત કરવાની વાતો હોય છે, જે ઈરાન માટે આત્મસમર્પણ સમાન છે.
અમેરિકા જેવી મહાસત્તા ઈરાન સામે પાછી પડે છે તેની પાછળ ભૌગોલિક અને વ્યૂહાત્મક કારણો જવાબદાર છે. ઈરાન પાસે ‘હોર્મુઝની સામુદ્રધુની’ પર નિયંત્રણ છે, જ્યાંથી વિશ્વનો લગભગ ૨૦% તેલ પુરવઠો પસાર થાય છે. જો અમેરિકા સીધું સૈન્ય આક્રમણ કરે, તો ઈરાન આ માર્ગ બંધ કરી વૈશ્વિક અર્થતંત્રને પાયમાલ કરી શકે છે. વધુમાં, ઈરાને સમગ્ર મધ્ય પૂર્વમાં ‘પ્રોક્સી’ નેટવર્ક (જેમ કે હિઝબુલ્લાહ અને હૂથી બળવાખોરો) ઉભું કર્યું છે, જે અમેરિકા અને ઈઝરાયેલના હિતોને સીધું નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાને અફઘાનિસ્તાન અને ઈરાક જેવા લાંબા યુધ્ધોનો કડવો અનુભવ છે, તેથી તે ઈરાન સાથે સીધું યુધ્ધ છેડતા પહેલા સો વાર વિચારે છે.
રાજકીય મંચ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂના નિવેદનો ઘણીવાર વિરોધાભાસી અથવા અત્યંત આક્રમક જણાય છે. ક્યારેક એવું લાગે છે કે તેમની વચ્ચે વૈચારિક મતભેદ છે, પરંતુ આ તેમની એક સુનિયોજિત ‘ગુડ કોપ, બેડ કોપ’ સ્ટ્રેટેજી હોવાની પ્રબળ શંકા છે. નેતન્યાહૂ અત્યંત આક્રમક વલણ અપનાવીને ઈરાન પર હુમલાની ધમકી આપે છે, જ્યારે ટ્રમ્પ આર્થિક દબાણ અને વાટાઘાટોની વાત કરીને ઈરાનને મનોવૈજ્ઞાનિક રીતે નબળું પાડવા માંગે છે. આ વ્યૂહરચનાનો હેતુ ઈરાનને મૂંઝવણમાં રાખવાનો અને તેને કોઈ મોટી ભૂલ કરવા માટે મજબૂર કરવાનો હોઈ શકે છે.
જો આગામી દિવસોમાં ઈરાન પોતાની જીદ પર અડગ રહે અને કોઈ નમતું ન જોખે, તો મધ્ય પૂર્વમાં ભયાનક યુધ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે. ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો તેને વધુ આક્રમક બનાવી શકે છે, જેના પરિણામે તે પોતાના પરમાણુ કાર્યક્રમની ગતિ વધારી દેશે. જો ઈરાન પરમાણુ શસ્ત્ર મેળવવાની નજીક પહોંચશે, તો ઈઝરાયેલ તેના પર સીધો સૈન્ય હુમલો કરી શકે છે, જે ત્રીજા વિશ્વયુધ્ધની શરૂઆત પણ બની શકે છે. રશિયા અને ચીન કદાચ અત્યારે સીધી રીતે ઈરાનની પડખે ઉભા ન દેખાય, પણ જો યુધ્ધ ફાટી નીકળે તો વૈશ્વિક સમીકરણો બદલાતા વાર નહીં લાગે. અંતે, આ સંઘર્ષ માત્ર હથિયારોનો નથી, પણ અસ્તિત્વ અને વર્ચસ્વની લડાઈ છે, જેમાં ઈરાન હાલમાં પીછેહઠ કરવાના મૂડમાં જરાય નથી.
naranbaraiya277@gmail.com











































