એક હતી ચક્કી. ચક્કીબેન તો ભારે શોખીન! એક દિવસ ચક્કીબેનને થયું કે બહુ ગરમી લાગે છે, લાવને આજે તો વોટરપાર્ક જાઉં! ચક્કીબેને ગુલાબી ફ્રોક પહેર્યું, આંખે કાળાં ચશ્મા પહેર્યાં અને માથે નાનકડી ટોપી મૂકી.
ચીં… ચીં… ચીં… કરતાં ચક્કીબેન તો ઉપડયાં વોટરપાર્ક!
વોટરપાર્ક પહોંચીને ચક્કીબેન રાજી-રાજી થઈ ગયાં. ત્યાં તો મોટો સ્વિમિંગ પૂલ! ચક્કીબેને પાંખો ફફડાવીને ગાયુંઃ
‘‘ચક્કી આવી રે, ચક્કી આવી,
સાથે ફુગ્ગા ને પાઈપ લાવી!
પાણીમાં તો મારશું ડૂબકી,
ગરમી ભગાડશું ચૂપકી-ચૂપકી!’’
ત્યાં જ સામેથી કાબરબાઈ આવ્યા. કાબરબાઈ કહે, ‘‘એ ચક્કીબેન! એકલા એકલા શું રમો છો? ચાલો આપણે પેલા મોટા ફુવારા નીચે નાચીએ!’’
ચક્કી અને કાબર તો ફુવારા નીચે બેઠા. ઝરરર… ઝરરર… પાણી પડવા લાગ્યું. ચક્કીની ટોપી ઉડી ગઈ અને કાબરના ચશ્મા નાક પરથી લપસી ગયા! ચક્કીબેન તો ખડખડાટ હસવા લાગ્યા- ‘‘ચીં… ચીં… હીહીહી!’’
પછી ચક્કીબેનની નજર પડી લપસણી પર. વાંકી-ચૂંકી, લાલ-પીળી મોટી લપસણી! ચક્કીબેન તો સીડી ચડીને ઉપર ગયા. ઉપર બેઠો હતો ‘‘ગોલુ વાંદરો’’. ગોલુ કહે, ‘‘ચક્કીબેન, સંભાળજો હોં! આ તો બહુ સ્પીડમાં જવાય એવી લપસણી છે!’’
ચક્કીબેન કહે, ‘‘ડરે એ બીજા! હું તો આ ચાલી…’’
સરરરરર… સડાક! ચક્કીબેન તો લપસ્યા! પણ આ શું? ચક્કીબેન તો હવામાં ફુગ્ગાની જેમ ઉડવા લાગ્યા અને સીધા જઈને પડ્યા હાથીભાઈની સૂંઢ પર! હાથીભાઈ તો પૂલમાં બેઠા-બેઠા નહાતા હતા. હાથીભાઈએ સૂંઢ ઊંચી કરી અને જોરથી ફુવારો છોડ્યો-ફુસ્સસસસ! ચક્કીબેન તો આખા ભીના ભીના! કાબરબાઈ દૂરથી બોલ્યા, ‘‘ચક્કીબેન, તમે તો વોટરપાર્કમાં વરસાદ લાવ્યા!’’
નાહી-ધોઈને ચક્કીબેનને તો લાગી કડાકાની ભૂખ. તે તો ગયા આઈસ્ક્રીમની લારીએ. ત્યાં પોપટભાઈ આઈસક્રીમ વેચતા હતા.
ચક્કીબેન કહે, ‘‘પોપટભાઈ, પોપટભાઈ! મને તો ઠંડો-ઠંડો મલાઈ કુલ્ફી આપો!’’
ચક્કીબેને જેવો આઈસ્ક્રીમ ખાધો કે એમની ચાંચ તો ઠંડીગાર થઈ ગઈ! એ તો બોલવા ગયા ‘‘ચીં… ચીં…’’ પણ નીકળ્યું ‘‘સી… સી… સી…!’’ બધા પક્ષીઓ હસી પડ્યા.
સૂરજદાદા આથમવા આવ્યા એટલે ચક્કીબેને પોતાનો થેલો ભર્યો. પલળેલી પાંખો સૂકવી અને ઘરે જવા તૈયાર થયા. જતાં જતાં ચક્કીબેને બધાને વચન આપ્યુંઃ
‘વોટરપાર્ક છે બહુ મજાનો,
આનંદનો છે અહીં ખજાનો!’
ચક્કીબેન તો ઉડ્યા પોતાના માળા તરફ, આખા રસ્તે ગાતા ગયાઃ ‘‘ચીં… ચીં… ચીં… મજા પડી ગઈ ભઈ મજા પડી ગઈ!’’ ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭






































