અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવી પોલીસની કામગીરીની અસરકારક ચકાસણી કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં કુલ ૮૦ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા છે. તાજેતરમાં વડિયા પોલીસ સ્ટેશન ખાતે ૧૫ જેટલા અરજદારોને બોલાવવામાં આવ્યા હતા, જેમણે અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને પારિવારિક પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. એસ.પી. ખરાતે પી.આઈ. અને પી.એસ.આઈ.ની હાજરીમાં અરજદારોને પૂછ્યું કે તેમને સ્થાનિક પોલીસની કામગીરીથી કેટલો સંતોષ છે. સાથે જ પોલીસ દ્વારા આપવામાં આવેલી સહાય અને વર્તન અંગે પણ વિગતવાર પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો.









































