અમરેલી શહેરમાં ૧૪ એપ્રિલના રોજ ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૪માં મુંબઈના ડોકયાર્ડમાં થયેલા ભયાનક જહાજ વિસ્ફોટમાં પોતાની ફરજ બજાવતા ફાયર વિભાગના ૬૬ જેટલા બહાદુર જવાનો શહીદ થયા હતા.તેમની સ્મૃતિમાં અને તેમના બલિદાનને સન્માન આપવા માટે અમરેલીના હીરકબાગ વિસ્તારમાં સ્થિત ફાયર સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સાથે મળીને શહીદ ફાયર કર્મીઓને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી ૧૪ થી ૨૦ એપ્રિલ સુધીના સમગ્ર સપ્તાહને ‘ફાયર વીક’ તરીકે ઉજવવામાં આવશે.










































