ગુજરાતમાં ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિÂસ્થતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાજ્યમાં વરસાદની અસર, રાહત અને બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલી પરિસ્થિતિ, વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર સાથે સંપૂર્ણ સંકલન રાખીને કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે જરૂરિયાત મુજબ દરેક પ્રકારની સહાય અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાવા, નદીઓમાં જળસ્તર વધવા અને બચાવ કામગીરી ચાલુ હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સતત સંપર્ક અને સંકલન જાળવવામાં આવી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી પણ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે.વડાપ્રધાને રાજ્ય સરકારને અસરગ્રસ્ત નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી ચાલુ રાખવા સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.









































