વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જાતા દહેગામ તાલુકાના એક યુવક સાથે લાખોની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા અને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનું વચન આપીને એક મહિલા એજન્ટે યુવક પાસેથી કુલ રૂ.૨૪.૯૨ લાખ વસૂલ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.દહેગામ તાલુકાના પાલૈયા ગામના ૨૬ વર્ષીય ખેડૂત યુવકે ચાર વર્ષ પહેલાં કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના પરિચયથી બોપલ સ્થિત બી.આર. કન્સલ્ટન્સી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૨માં બેઠક યોજાઈ અને સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરવામાં આવી હતી.શરૂઆતમાં વિઝા પ્રક્રિયા માટે યુવક પાસેથી ઓનલાઈન માધ્યમથી રૂ.૫૫ હજાર લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૨થી ૨૦૨૩ દરમિયાન અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.૨૪.૯૨ લાખ લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રકમ પ્રાપ્ત કર્યા બાદ મહિલા એજન્ટે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત કેનેડાની બેંકમાં ડોલર જમા થયાનો પત્ર અને યુનિવર્સિટી ઓફ સસ્કેચવનનું કન્ડીશનલ ઓફર લેટર ઈ-મેઈલ દ્વારા મોકલાયું હતું.પરંતુ બાદમાં યુવકે દસ્તાવેજાની ચકાસણી કરાવતા જાણવા મળ્યું કે દર્શાવાયેલ બેંકમાં તેના નામે કોઈ ખાતું જ નહોતું અને યુનિવર્સિટીમાં પણ કોઈ પ્રવેશ નોંધાયો નહોતો. ત્યારબાદ સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું.
ઠગાઈની જાણ થતાં યુવકે મહિલા એજન્ટ પાસે પોતાની રકમ પરત માગી હતી. ફરિયાદ મુજબ એજન્ટે નક્કી કરેલી તારીખ સુધીમાં પૈસા પરત આપવાનું વધુ એક સોગંદનામું પણ કર્યું હતું. જાકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રકમ પરત ન મળતાં અને સતત ટાળટૂળ થતાં આખરે યુવકે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી સમગ્ર વ્યવહાર, દસ્તાવેજા અને નાણાકીય લેવડદેવડ અંગે તપાસ શરૂ કરી છે.







































