જીવન સાથે જોડાયેલી એવી કંઈ કેટલીય નાની-નાની વાતો હોય છે, જે જીવન પ્રત્યે એક નવો જ દ્રષ્ટિકોણ દર્શાવે છે. આપણી રોજબરોજની જીંદગીમાં એવી કેટલીક વાતોથી આપણે આકુળ-વ્યાકુળ બનીને નાસીપાસ થતા રહીએ છીએ. ક્યારેક એવા કારણો જીંદગીમાં સુખદ બદલાવ પણ આવે છે. આજના આ દિશાનિર્દેશ દ્વારા એવી વાતો-બાબતોને સમજવાની કોશિશ કરીએ…
૧) જીવનમાં નાની-નાની વાતોને નજર અંદાજ કરતાં શીખો. કેટલીકવાર એવી વાતોને પકડી રાખવા જતાં આપણે બીજાની સાથે સાથે આપણું મન-મગજ પણ બગાડીએ છીએ.
૨) પતિદેવનું લંચ બોક્સ તો તમે હંમેશા તૈયાર કરીને તેમની બેગમાં મૂકો છો, પણ ક્યારેક લંચ બોક્સની સાથે મૂકો એક નાનો પ્યારભર્યો પત્ર. પછી જુઓ, સાંજે પરત આવે ત્યારે તેમના ચહેરાની ચમક અને મંદ-મંદ સ્મિત, વાત જ કંઈ ઓર બનશે.
૩) ખોટા વાયદાથી બચો. જો કોઈ યુવક તમને વારે વારે બહાના બતાવી રહ્યો હોય કે આમ થશે તો લગ્ન કરી લઈશ, પેલું કામ પતે એટલે લગ્ન કરી લઈશ, તો એવા બહાનાબાજીથી બચો. કેટલીકવાર આવા ખોટા વચનોથી ઉંમરનો સોનેરી દોર જતો રહે છે અને અંતે ખબર પડે છે કે આપણી સાથે દગો થયો છે. પછી નથી કોઈ નમણા ચહેરા કે ન કોઈ ઉમંગ, એટલા માટે આવા માણસોથી બચો.
૪) જ્યારે ઘરમાં કોઈ સેલિબ્રેશન હોય, તો એવા ફંક્શનમાં ક્લિક કરાયેલી ફોટામાંથી ખાસ-ખાસ મહેમાનોની ચુંટેલી તસવીરો સિલેક્ટ કરીને તેમને મોકલો. પછી જુઓ, સંબંધોમાં કેવી મીઠાશ ફેલાય છે.
૫) જો કોઈ વ્યક્તિ પર બેહદ ગુસ્સો આવી રહ્યો હોય, તો તમારી બધી ભડાસ એક પત્રમાં લખો અને પછી જ્યારે એવું લાગે કે હવે મન-મગજ શાંત થઈ ગયું છે, તો પત્રને ફાડીને ફેંકી દો.
૬) જ્યારે તમારાથી કોઈ ભૂલ થઈ જાય, તો તેને સુધારવાની કોશિશ તરત જ કરો. કોઈની પાસે માફી માંગવાની હોય, તો તેની આંખોમાં જોઈને માફી માંગો.
૭) આમ તો કોઈપણ વ્યક્તિને પોતાની ખામીઓ વિશે સાંભળવું ગમતું હોતું નથી, પણ જો તમે તમારી સામેની વ્યક્તિ દ્વારા આપનામાં જરૂરી બદલાવ લાવવાની આશા રાખતા હોવ તો તેમને સમય આપો અને તેમને મોઢે તમારી ખામીઓ કહો અને તમે શાંતિથી સાંભળી-સમજી તમારામાં જરૂરી બદલાવ લાવો.
૮) વખાણ કરવા અને પ્રોત્સાહન આપવું એ બંને એવા શસ્ત્ર છે, જેના દ્વારા તમે ઈચ્છો તો દરેકના પ્યારા બની શકો છો. જ્યારે તમે કોઈની પ્રશંસા કરો છો, ત્યારે મનમાંથી કેટલાય પૂર્વગ્રહ ખતમ થઈ જાય છે અને શરીરમાં એવા રસાયણોનો પ્રવાહ વહી જાય છે, જે આપણને ખુશ રાખવામાં જવાબદાર હોય છે.
૯) જો આપના કોઈ સ્નેહી કે ભાઈબંધ નિરાશ-હતાશ હોય કે ડિપ્રેશનમાં હોય, તો તેને રાઈટિંગ પેડ કે ડાયરી ગિફ્‌ટમાં આપો, જેના દરેક પેજ પર સારા-પોઝિટિવ ક્વોટેશન કે પછી પ્રેરક અને સકારાત્મક વાત-વિધાન લખ્યું હોય.
૧૦) વડીલો સાથે હંમેશા માન-આદરથી વાત કરો. તેઓ શું કહેવા ઈચ્છી રહ્યા છે, પહેલા તેમને સાંભળો, પછી તમારી વાત તેમની સમક્ષ મૂકો.
૧૧) બાળકોને ખુશ કરવા માટે ક્યારેક-કોઈક દિવસ, ઘરના એવા ખૂણામાં જ્યાં આપના દીકરા-દીકરીની નજર પડતી હોય ત્યાં એક પ્યારભરી ચીઠ્ઠી મૂકી દો, જેમાં પ્યારભરી કે મજાની વાત લખેલી હોય અને સાથે રાખેલી હોય તેમની ફેવરિટ ચોકલેટ…
૧૨) જો આપનો કોઈ ફ્રેન્ડ, સંબંધી કે પાડોશી બીમાર હોય, તો સમય ફાળવીને તેમની તબિયત પૂછવા-જોવા અવશ્ય જાવ. જો શક્ય હોય તો તેમની પસંદગીની કોઈ વાનગી ઘરેથી બનાવીને લઈ જાવ.
૧૩) ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખૂબ જ ઉષ્માપૂર્વક કરો અને તેમને પૂરતો સમય આપો. તેમની વાતોને પ્રેમપૂર્વક સાંભળો, તેમની પરેશાનીઓને પણ ધ્યાનમાં રાખી, નિવારણ કરો. જેથી ફરીવારની આપની મુલાકાતમાં તેમને એ વિષય પર પૂછી ખબર-અંતર લઈ શકાય.
૧૪) જીંદગીમાં મળેલી અસફળતાઓને એમ જ ભૂલી ન જાવ, એના કારણો શોધીને ભવિષ્યમાં બીજીવાર એ જ ભૂલો ન થાય એ ધ્યાન રાખો. ધ્યાન રાખો – મોટી-મોટી હસ્તીઓ પણ નિષ્ફળતામાંથી જ ઘડાઈને આગળ આવી છે.
૧૫) જો આપનો કોઈ સગો સંબંધી કે મિત્ર કોઈ બુરી આદતનો શિકાર બની રહ્યા હોય, તે તેમને સમજાવવામાં આપની જીભ લથડાતી હોય તો તમે કોઈ બીજી વ્યક્તિની સહાયતા લઈને તેની મદદ કરી તેને બચાવી શકો છો.
૧૬) કોઈપણ સંબંધને મજબૂત અને ગરિમાપૂર્ણ બનાવી રાખવા માટે સકારાત્મક વાતચીત થવી બેહદ જરૂરી છે; એટલે, હંમેશા સામેની વ્યક્તિની જોડે વાતચીતનો દોર જાળવી રાખો.
૧૭) નવા વિચારધારાઓને અપનાવતા રહો. જીંદગીમાં પરિવર્તન જરૂરી છે. કોઈપણ કઠિન પરિસ્થિતિનું નિવારણ આપણે ત્યારે જ શોધી શકીશું, જ્યારે આપણે આપણી વિચારધારામાં બદલાવ લાવીશું. હેલ્ધી લાઈફ જીવવાનો મતલબ છે કે આપણે આપણી જૂની વિચારધારા અને કામ કરવાની શૈલીમાં બદલાવ લાવતા રહીએ.
૧૮) મેડિટેશન અવશ્ય કરો. એમાં યોગની સાથે સંગીત કે યોગની સાથે શાંતિ દ્વારા
સુખદ બદલાવ મહેસૂસ કરશો.
૧૯) ક્યારેક પરેશાનીઓને કારણે જોશમાં કંઈક ખોટું કરી પણ દો, તો પછીથી એના માટે પોતાની ભૂલને સ્વીકારીને અફસોસ અવશ્ય કરો. કદાચ તમારો આત્મવિશ્વાસ ડગમગાવવા ન દો, કેમ કે ભરપૂર આત્મવિશ્વાસ વ્યક્તિને દરેક પરેશાનીઓથી બચાવી લે છે.
૨૦) ઓર્ડર કરીને કામ કરવાને બદલે જો આપણે સૌમ્ય વ્યવહાર દ્વારા કોઈની પાસેથી સહયોગ માંગીશું, તો અન્ય પણ તમને મદદ કરવા તૈયાર થશે. સારી અને સંતુલિત વ્યવહાર કુશળતા પરસ્પરના સંબંધોને મધુર બનાવે છે ને સાથોસાથ મજબૂત પણ..!
તો ચાલો.. ઉપરોક્ત ૨૦ વાતોનો અમલ કરવાનું ચાલુ કરી દો ને બદલી નાંખો આપની life અર્થાત જીંદગી અર્થાત જીવન..!
I Loveજીંદગી..!
Best of luck..! ..! sanjogpurti@gmail.com