બગસરામાં ચોમાસાની સીઝનનો પહેલો જ વરસાદ ખાબકતાની સાથે જ સ્થાનિક PGVCLતંત્રની પ્રી-મોન્સૂનની પોકળ કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.પહેલા જ વરસાદમાં સમગ્ર પંથકમાં વીજ ફોલ્ટની હારમાળા સર્જાઈ હતી અને વારંવાર પાવર કટ થવાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તંત્રની આ લાપરવાહીના કારણે માસૂમ બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. બગસરાની સરકારી કન્યા પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં વરસાદને કારણે સતત ધડાકા શરૂ થયા હતા, જેના કારણે બાળકો સતત બે થી અઢી કલાક સુધી ડરના ઓથાર હેઠળ સમય પસાર કરવા મજબૂર બન્યા હતા. આ ગંભીર ઘટના અંગે સ્થાનિકો અને શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક PGVCL કચેરીએ તેમજ કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં, સ્થાનિક તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું અને કલાકો સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ આખી ઘટનામાં સૌથી વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, વીજ રિપેરિંગ અથવા લાઈન બંધ કરવા જેવા સ્થાનિક કક્ષાના સામાન્ય મુદ્દા માટે પણ છેક રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલયે (CMO) દખલગીરી કરવી પડી હતી. જ્યારે આ બાબત મુખ્યમંત્રીના ધ્યાને આવી ત્યારે મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ત્યાં આવેલા ચાર વીજ ટ્રાન્સફોર્મરોને સત્વરે ત્યાંથી દૂર કરવા કડક ટેલિફોનિક સૂચનાઓ આપી હતી.










































