ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની અંદાજે ૪,૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે એલબીડી લેબ સ્થાપિત કરવામાં આવશે. આ અંગે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તમામ જિલ્લાઓને સત્તાવાર સૂચનાઓ મોકલવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. એલબીડી લેબ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી અભ્યાસ કરવાની વધુ સારી તક મળશે, જેના કારણે શિક્ષણ વધુ રસપ્રદ અને અસરકારક બનશે.
ગુજરાતની સરકારી શાળાઓને વધુ આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ, રાજ્યની આશરે ૪,૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં એલબીડી લેબ શરૂ કરવામાં આવશે. ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ આપવાના હેતુથી લેવાયેલા આ નિર્ણય અંગે તમામ જિલ્લાના સત્તાધિકારીઓને સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવી છે.
યોજનાના ભાગરૂપે ટીસીઆઇએલ દ્વારા લેબની સ્થાપના, જાળવણી તેમજ શિક્ષકોને જરૂરી તાલીમ આપવામાં આવશે. જેથી શિક્ષકો પણ નવી ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓને લેબ સ્થાપન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર રાખવા પણ સૂચના આપવામાં આવી છે. લેબમાં વિવિધ વિષયો સંબંધિત ડિજિટલ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે વિદ્યાર્થીઓના જ્ઞાન અને સમજણમાં વધારો કરશે.
ખાસ કરીને ઊઇ કોડ આધારિત અભ્યાસ સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ કયુઆર કોડ સ્કેન કરીને પાઠ્યક્રમ સંબંધિત વીડિયો, પ્રેઝન્ટેશન, એનિમેશન અને અન્ય શૈક્ષણિક સામગ્રી સરળતાથી મેળવી શકશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે એલબીડી લેબની સ્થાપનાથી સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી સાથે તાલમેલ સાધવામાં મદદ મળશે.