શાપર-વેરાવળ વિસ્તારમાં ૧૯ જૂનની મધરાતે થયેલી રૂ. ૨.૪૯ કરોડની સનસનાટીભરી લૂંટના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને રૂ. ૭૬.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
૧૯ જૂનની રાત્રે શાપરના જૂના રાજવી પરિવારના સભ્ય અને ૭૭ વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પોતાના ઘરે એકલા હતા. મધરાત બાદ પાંચ બુકાનીધારી શખ્સોએ ઘરમાં ઘૂસી તેમને બંધક બનાવી દીધા હતા.એક આરોપી લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર બેસી ગયો હતો, જ્યારે અન્ય આરોપીઓએ ઘરની તિજારી અને કબાટ તોડી રોકડ, સોના-ચાંદીના દાગીના, પરવાનાવાળી ૧૨ બોર રાયફલ અને મોબાઇલ સહિત અંદાજે રૂ. ૨.૪૯ કરોડની માલમત્તાની લૂંટ ચલાવી હતી.
તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશ અને દાહોદ સુધી તપાસનો વ્યાપ વધાર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ (મધ્યપ્રદેશ), સેતાન દીવાન અમલિયાર (દાહોદ) અને દિનેશ સેતાન પરમાર ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૪૩.૧૮ લાખ રોકડ,રૂ. ૨૧.૨૨ લાખના દાગીના,લૂંટમાં વપરાયેલા હથિયારો,બોલેરો કાર, લૂંટાયેલી લાઇસન્સવાળી રાયફલ સહિત કુલ રૂ. ૭૬.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર કેસમાં સૌથી રસપ્રદ પાસું પૂછપરછ દરમિયાન સામે આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી બનસીંગ શરૂઆતમાં કોઈ માહિતી આપતો નહોતો. પૂછપરછ દરમિયાન જ્યારે તેને શું ખાવું ગમે છે તે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેડબરી ડેરી મિલ્ક ચોકલેટની માંગ કરી હતી.પોલીસે ચોકલેટ આપ્યા બાદ આરોપીનો વલણ બદલાયો અને તેણે લૂંટની યોજના, ઘટનાક્રમ અને અન્ય આરોપીઓ અંગે મહત્વની માહિતી આપવાનું શરૂ કર્યું. આ માહિતીના આધારે તપાસને વધુ દિશા મળી.
તપાસ દરમિયાન પોલીસ સામે એક અનોખી મુશ્કેલી પણ આવી. આરોપીઓના મધ્યપ્રદેશ સ્થિત ગામમાં મોટા ભાગના ઘરોમાં પાલતુ કુકડાઓ રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં કોઈ અજાણ્યો વ્યÂક્ત પ્રવેશ કરે તો કુકડાઓ એકસાથે અવાજ કરવા લાગે છે, જેના કારણે આરોપીઓ તરત જ સતર્ક થઈ જતા હતા.આ પડકાર વચ્ચે પોલીસે વેશપલટો કરીને ગુપ્ત રીતે તપાસ આગળ વધારી હતી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, કેસના મુખ્ય સૂત્રધાર સહિત વધુ પાંચ આરોપીઓ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે મધ્યપ્રદેશમાં અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં બાકીના આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે.