ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એÂક્ઝમકેમ પ્રા. લિ. કંપની ખાતે બનેલા લાફા કાંડ કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. આ કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
આ ગુનાની તપાસના ભાગરૂપે પોલીસે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
માહિતી અનુસાર ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એકજીમકેમ કંપનીમાં આગ લાગ્યાની ઘટના બાદ પોલીસ કાર્યવાહી દરમિયાન સર્જાયેલા વિવાદ અને પોલીસ સાથેની તકરારના કેસમાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવાના નામ પણ સામેલ કરવામાં આવ્યા હતા.
પોલીસે અગાઉ ચારેય આરોપીઓને નોટિસ પાઠવી તપાસમાં હાજર રહેવા જણાવ્યું હતું. જાકે, ધારાસભ્ય ચૈતર વસાવા અન્ય કેસમાં સજા ભોગવી હાલ જેલમાં હોવાથી તેઓ હાજર રહી શક્યા ન હતા. બીજી તરફ ૨૯ જૂનના રોજ પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસમાં વધુ પૂછપરછ, ઘટનાક્રમની વિગતો મેળવવા, ઇલેક્ટ્રોનિક પુરાવા, મોબાઇલ ડેટા તથા અન્ય સાક્ષીઓ અંગે તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાક્રમની કડી મેળવવા, ઘટનાસ્થળે હાજર રહેલા અન્ય લોકોની ભૂમિકા, વીડિયો ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવાની દિશામાં તપાસ આગળ વધારશે. કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવશે.
આ કેસના ચોથા આરોપી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ અન્ય એક કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તેમના તરફથી અગાઉ વકીલ મારફતે જવાબ રજૂ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઝઘડિયા જીઆઇડીસી લાફા કાંડને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. એક તરફ પોલીસ કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી સમગ્ર કેસને રાજકીય પ્રેરિત ગણાવી રહી છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.










































