સમાજને કલંકિત કરતી દુષ્કર્મની બે અલગ અલગ ઘટનાઓમાં જૂનાગઢ અને વિસાવદર કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. માત્ર ૧૨ વર્ષની માસૂમ કિશોરી અને એક માનસિક દિવ્યાંગ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનાર બે નરાધમોને અદાલતે ૧૨ અને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જૂનાગઢ અને વિસાવદર કોર્ટે કિશોરી અને માનસિક દિવ્યાંગ યુવતી પર જાતીય દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષનાર બન્ને નરાધમોને ૧૦ અને ૧૨ વર્ષની સજાની સાથે ૫૦ અને ૨૫ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે. વિસાવદરના ચોથા એડિશનલ સેશન્સ જજ હેતલકુમાર વિનોદભાઇ જાશી અને જૂનાગઢના પાંચમા એડિશનલ સેશન્સ જજ હિતેશકુમાર ગીરીશભાઇ દામોદ્રા દ્વારા બન્ને નરાધમોને સુનાવણીના અંતે સજા ફટકારતો હુકમ જાહેર કર્યો છે. અનુક્રમે ત્રણ અને પાંચ વર્ષ સુધી બંને કેસની સુનાવણી જૂનાગઢ અને વિસાવદર કોર્ટમાં ચાલી હતી.
ભેસાણના દેવેન્દ્ર સરવૈયાએ માત્ર ૧૨ વર્ષની કિશોરીને ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે પોતાની ઘરે બોલાવીને હવસ સંતોષી હતી. લોકડાઉનમાં કિશોરીને દુષ્કર્મનો ભોગ બનાવનાર દેવેન્દ્ર સરવૈયાનો કેસ પાછલા પાંચ વર્ષથી વિસાવદર કોર્ટમાં ચાલી રહ્યો હતો અને અંતે પાંચ વર્ષ, છ મહિના અને ૧૫ દિવસની સુનાવણી બાદ વિસાવદર કોર્ટે આરોપી દેવેન્દ્ર સરવૈયાને સજા ફટકારી છે. કોર્ટ દ્વારા આ કેસમાં ૧૪ સાક્ષી અને ૩૫ દસ્તાવેજા તપાસવામાં આવ્યા હતા જેમાં આરોપી દેવેન્દ્ર સરવૈયા ગુનેગાર સાબિત થતા તેને સજા ફટકારી છે.
જૂનાગઢના આરોપી જગદીશ વાજાએ ૮મી મે ૨૦૨૩ના દિવસે તેના પાડોશમાં રહેતી અને માનસિક દિવ્યાંગ યુવતીને તેના ઘરે બોલાવીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવી હતી. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં જૂનાગઢ કોર્ટે ૧૫ સાક્ષી અને ૫૧ જેટલા દસ્તાવેજા કે જેમાં તબીબી પરીક્ષણ રિપોર્ટ સહિત દુષ્કર્મની ઘટનાથી લઈને ફરિયાદ દાખલ થવા સુધીના તમામ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ દ્વારા તપાસવામાં આવ્યા હતા. જગદીશ વાજાએ યુવતીને માનસિક વિકલાંગતા ધ્યાનમાં રાખીને તેને દુષ્કર્મ નો ભોગ બનાવી હતી. જૂનાગઢના પાંચમા એડિશનલ સેશન્સ જજ હિતેશકુમાર ગિરીશભાઈ દામોદ્વા દ્વારા આરોપી જગદીશ વાજાને ૧૦ વર્ષની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતી સજા નો હુકમ કર્યો છે.










































