૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’ સૌથી લાંબી દરિયાઇ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે પાંચ વર્ષમાં ૩૭૦૦થી વધુ ગુના નોંધી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક ધરાતલ પર કડકાઈથી અમલી બનાવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ ૩,૭૦૦થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જાડાયેલા ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.
કોઈપણ જંગ ત્યારે જ જીતી શકાય છે જ્યારે લડનારા સૈનિકોનો જુસ્સો આસમાને હોય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્થો પકડનારા બાહોશ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકો-બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.
એટલું જ નહીં, પરંપરાગત મર્યાદાઓથી ઉપર ઉઠીને, પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અપનાવી છે. આ ક્રાંતિકારી પગલાથી પોલીસ વિભાગના જુસ્સામાં વધારો થયો છે. જેના પરિણામે હવે દરેક સ્તરનો પોલીસકર્મી આ લડાઈમાં સક્રિયપણે જોડાઈ ગયો છે.
આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ અને અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની સામે જીતવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે. ડ્રગ્સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નેરીટ સોફ્ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મતે, “આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાના દલદલમાં ધકેલાઈ ગયેલા રાજ્યના યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે.” આ વિચારધારા સાથે રાજ્ય સરકાર ગુનેગારો સામે વજ્ર જેવી કડક હોવાની સાથે-સાથે નશાના ભોગ બનેલા યુવાનો માટે અત્યંત સંવેદનશીલ છે. જે અંતર્ગત વ્યસનમુકિત કેન્દ્રને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવાયા છે. તેઓ પુનઃ સન્માનભેર સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે તે માટે યુવાનોને યોગ્ય કાઉન્સીલિંગ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસની આ આક્રમક નીતિઓ, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સરકારનો મક્કમ ઈરાદો દેશભરના રાજ્યો માટે એક રોલ મોડેલ બન્યું છે. ગુજરાત ‘ડ્રગ-ફ્રી સ્ટેટ’ બનવાની દિશામાં અવિરત અને મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.









































