ભાવનગરમાં મોહરમ દરમિયાન તાજિયા ઝુલુસ કાઢવાની મંજૂરીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદાર અજમેરી નુરમહમદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ વર્ષ ૨૦૦૫થી સતત તાજિયા ઝુલુસનું આયોજન કરતા આવ્યા છે, છતાં આ વર્ષે હજુ સુધી તેમને મંજૂરી આપવામાં આવી નથી.
અરજદાર તરફથી વકીલ મલય પટેલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેમના અસીલ દ્વારા નિયમિત રીતે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તાજિયા ઝુલુસનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે જરૂરી મંજૂરીઓ પણ મેળવવામાં આવતી રહી છે. આ વર્ષે પણ નિયત પ્રક્રિયા મુજબ અરજી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે અરજદારમાં અનિશ્ચિતતા અને ચિંતા વ્યાપી છે. તેમણે જણાવ્યું કે જિલ્લામાં કુલ ૩૫ જેટલા તાજિયા ઝુલુસ માટે અરજીઓ કરવામાં આવી છે, પરંતુ અરજદારની અરજી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી સમયસર નિર્ણય લેવા માટે કોર્ટ હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર મંજૂરી નહીં મળે તેવી શંકાના આધારે અરજી કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દરેક અરજદારને મંજૂરી મળવી જ જોઈએ એવો કોઈ કાયદાકીય હક નથી. જો કોઈ ચોક્કસ ઝુલુસને મંજૂરી ન મળે તો અરજદાર અન્ય મંજૂર થયેલા ઝુલુસમાં પણ જોડાઈ શકે છે.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તાજિયા ઝુલુસ માટે મંજૂરી આપવી કે નહીં તે સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર નક્કી કરશે. આવા મામલાઓમાં સુરક્ષા અને જાહેર શાંતિ જાળવવાની જવાબદારી પોલીસની હોવાથી અંતિમ નિર્ણય પણ પોલીસ સત્તાધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
કોર્ટે અરજદારની રજૂઆત નોંધમાં લઈને સ્પષ્ટ કર્યું કે હાલ મંજૂરી ન મળવાની માત્ર આશંકાના આધારે હસ્તક્ષેપ કરવાની જરૂરિયાત જણાતી નથી. આ સાથે મામલાની સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી.