રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગે મોટા બોગસ બિલિંગ અને કરચોરીના રેકેટનો પર્દાફાશ કરતા ૧૨૮ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો ઝડપી પાડ્યા છે. આ કેસમાં ૨૩.૦૮ કરોડ રૂપિયાથી વધુની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના આરોપસર જામનગરના પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમી અને ટેકનીકલ એનાલિસિસના આધારે ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ મે. માંડોવરા ટ્રેડિંગ કંપની સહિત કુલ ૨૨ પેઢીઓમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર ખાતે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખાલી કાગળ પર જ હતો ધંધો
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, કંપનીએ બ્રાસ અને કોપર સ્ક્રેપના વેપારના
નામે અસ્તીત્વમાં ન હોય તેવી બોગસ પેઢીઓ પાસેથી ખરીદી દર્શાવી હતી. આ વ્યવહારોનો હેતુ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો હતો. પ્રાથમિક તપાસ મુજબ કંપનીએ સરકારી તિજારીને ૨૩.૦૮ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ૧૨૮ કરોડ રૂપિયાથી વધુના બનાવટી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા, જેમાં કોઈ વાસ્તવિક માલની હેરફેર થઈ ન હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની જામનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે.જીએસટી કાયદાની કલમ ૧૩૨(૧) હેઠળ બોગસ આઇટીસી મેળવવું અને કલમ ૧૩૨(૧) હેઠળ આવી આઇટીસી અન્યને પાસ ઓન કરવી ગંભીર ગુનો ગણાય છે. વિભાગના જણાવ્યા મુજબ બંને આરોપીઓની સંડોવણીના પૂરતા પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ કરચોરી તથા જીએસટી જવાબદારીઓ સામે આવવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જીએસટી વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, જીએસટી નોંધણીની વિગતો અને બેંક ખાતા જેવી મહત્વની વ્યક્તિગત માહિતી અજાણ્યા અથવા અનધિકૃત વ્યક્તિઓને ન આપવી. આવા દસ્તાવેજાના દુરુપયોગથી નાણાકીય છેતરપિંડી અને કરચોરી જેવા ગુનાઓ આચરવામાં આવી શકે છે.