ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા સહિત નવ લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આપના ચૈતર વસાવાએ ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, પત્ની શકુંતલા સહિત નવ આરોપીને દોષિત જાહેર કર્યા છે.
ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અહીં ધારાસભ્ય ચૈતર વસાવાને ૯૦૮૮૮ કેદી નંબર ફાળવવામાં આવ્યો છે. આજે તેમને બેરેક પણ ફાળવી દેવામાં આવશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની લિગલ સેલ મંગળવારથી જ ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં લાગી ગયા છે.
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ૯ આરોપીને સાત વર્ષની કેદની સજાનો આખરી હુકમ છે. ૧૯૦ પાનાનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આખરી હુકમનો ચુકાદો ૧૮ પાનાનો છે. નર્મદાનાં એડી. સેશન્સ જજની અદાલતમાં નામદાર એ.વી. હિરપરા, એડી. સેશન્સ જજે આ અંગેનો ચુકાદો આપ્યો છે. ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૯, ૩૩૨, ૩૫૩, ૩૮૬, ૨૯૪, ૫૦૬(૨), ૨૦૧, ૩૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧) મુજબ સજા ફટકારવામાં આવી છે.
સજા પામેલા ૯ આરોપી
૧. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, (ઉ.વ.૩૫, રહે. બોગજ, નિશાળફળીયું, તા.ડેડીયાપાડા, જી.નર્મદા), ૨. જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, (ઉ.વ.૨૯ રહે.બોગજ, ચુલીફળીયું, તા.ડેડીયાપાડા, જી. નર્મદા),૩. રમેશભાઈ ગીમ્બાભાઈ વસાવા, (ઉ.વ.૪૦, રહે.ઝાડોલી,આમલી ફળીયું,તા.ડેડીયાપાડા),૪. શકુંતલાબેન વા/ઓ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા (ઉ.વ.૩૨, રહે.બોગજ,નિશાળફળીયું,તા.ડેડીયાપાડા, જી.નર્મદા),૫. મરીયમબેન વા/ઓ ઝવેરભાઈ ગંભીરભાઈ વસાવા (ઉ .વ.૩૦ રહે.બોગજ,નિશાળફળીયું,તા.ડેડીયાપાડા, જી.નર્મદા.),૬. બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા, (ઉ.વ.૩૧. રહે. હલગામ (પાડી), ટેકરાફળીયું,તા.સાગબારા,જી.નર્મદા), ૭. રીકેશભાઈ કુલસીંગભાઈ વસાવા (ઉ.વ.૧૯, રહે.બોગજ,નિશાળ ફળીયું, તા.ડેડીયાપાડા,જી.નર્મદા),૮. મોગરાબેન વા/ઓ રમેશભાઈ ગીંબાભાઈ વસાવા (ઉ.વ.૩૮, રહે.ઝાડોલી, આમલી ફળીયું, તા.ડેડીયાપાડા, જી.નર્મદા),૯. શુકંતાબેન ઉર્ફે શકુંતલાબેન વા/ઓ બલીરામભાઈ કાલુસીંગભાઈ વસાવા, (ઉ.વ.૩૦, રહે.હલગામ(પાડી),ટેકરા ફળીયું, તા.સાગબારા,જી.નર્મદા) છે
રાજપીપળા ખાતેની એડીશનલ સેશન્સ કોર્ટે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને તમામ નવ આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા કરવામાં આવી છે. તમામ આરોપીને સાત વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા અને ૯૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ૫૦ હજાર અલગથી દંડ ફટકારવામાં આવ્યો છે. ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને સાત વર્ષની સજા ફટકારતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
ઈન્ચાર્જ સરકારી વકીલ, વંદના ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, “કોઈ વ્યÂક્તએ ફોરેસ્ટની જમીન પર ગેરકાયદેસર વાવેતર કર્યું હતું અને તે વાવેતર ફોરેસ્ટના અધિકારીઓએ દૂર કર્યું હતું. તેના અનુસંધાનમાં ચૈતર વસાવાએ આ ફોરેસ્ટના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાકધમકી આપી હતી. તેમની પાસે જે પિસ્તોલ કે બંદૂક હતી તેનાથી તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. આ સાથે ધોલ-ધપાટ કરી હતી. પછી બીજા દિવસે તેમના પર્સનલ સેક્રેટરીએ ૩૦-૩૦ હજાર એમ કરીને ૬૦ હજારની ખંડણી માંગી હતી. આ અંગેનો કેસ હતો. આ કેસમાં પાંચ પુરુષ આરોપી અને ચાર સ્ત્રી આરોપી છે. નામદાર કોર્ટે તમામ આરોપીને સાત વર્ષની કેદ અને ૨૫ હજારનો દંડ જાહેર કર્યો છે. આ તમામ આરોપીને રાજપીપળા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. તેમાં અન્ય જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ આપવામાં આવી છે. ફરિયાદીએ આપેલા પુરાવાના આધારે સજા જાહેર કરવામાં આવી છે.”