ગાંધીનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસીની ટીમે ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ કોબા ગામ ખાતે બળિયાદેવ મંદિર નજીક આવેલા ચેહર હોર્સ ફાર્મ પર દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૨૩.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ ૫,૧૫૩ આઇએમએફએલ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૧૯.૩૬ લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી એક પિકઅપ વાન તેમજ ચાર મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આમ કુલ ૨૩.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં દિનેશસિંહ ખીમસિંહ સિસોદિયા અને રાવતસિંહ મોતીસિંહ ભાટી (રાજસ્થાન), દેવુભા પ્રકાશસિંહ ઝાલા (મહેસાણા) તેમજ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામને વધુ કાર્યવાહી માટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કોબા ગામના અશોક ઈશ્વરભાઈ રાવલ સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોબા ગામમાં આવેલા ચેહર હોર્સ ફાર્મનો ઉપયોગ દારૂના ગોડાઉન તરીકે કરતા હતા. રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારો સાથે સંકળાયેલા શખ્સો દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ અહીં સંગ્રહ કરવામાં આવતો હતો જેથી કોઈને શંકા ન જાય. બાદમાં જરૂરિયાત મુજબ નાના જથ્થામાં વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન એક પિકઅપ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ દારૂના પરિવહન માટે થતો હોવાની શંકા છે. ઉપરાંત પોલીસને એવી પણ માહિતી મળી છે કે ક્રેટા કારમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો.
એસએમસી દ્વારા જપ્ત કરાયેલા ચાર મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ્સ અને ડિજિટલ ડેટાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસના આધારે સમગ્ર સપ્લાય ચેઇન, ખરીદદારો અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલ એસએમસી દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો, ભારતીય ન્યાય સંહિતા તેમજ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસી અને ઇન્ફોસિટી પોલીસ દ્વારા દારૂના જથ્થાનો સ્ત્રોત, આંતરરાજ્ય નેટવર્ક અને સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









































