લાઠી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રીમતી પારુલબેન ભરતભાઈ ડેરે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરી હતી. જન્મદિવસ નિમિત્તે નાના અને મધ્યમ વર્ગના પરિવારોની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૪૫ દીકરીઓને ચોપડાઓનું વિતરણ કરીને શિક્ષણ ક્ષેત્રે સહયોગનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પારુલબેન ડેરે જણાવ્યું હતું કે જન્મદિવસ માત્ર વ્યક્તિગત ખુશીનો પ્રસંગ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર પણ છે. તેમણે ભવિષ્યમાં પરિવારના દરેક જન્મદિવસે જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ પહેલથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી છે તેમજ સમાજમાં સેવા, સહકાર અને સંવેદનાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સકારાત્મક સંદેશ પણ પ્રસર્યો છે.








































