અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગંભીર બેદરકારી અને પૂરઝડપે વાહન ચલાવવાના કારણે બે અલગ-અલગ સ્થળોએ અકસ્માતો સર્જાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં ત્રણ લોકોને નાની-મોટી અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.પ્રથમ ઘટના અમરેલી-ચલાલા હાઈવે રોડ પર આવેલા ગાવડકા ચોકડી પાસે બની હતી.
સરંભડા ગામે રહેતા અભિષેકભાઈ નરેશભાઈ કોલા (ઉ.વ. ૨૧)એ ધારીના કરમદડી ગામના રવિભાઈ અશોકભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાનું જ્યુપિટર સ્કૂટર/મોટરસાયકલ લઈને અમરેલીથી પોતાના ગામ સરંભડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાવડકા ચોકડી પાસે સામેથી આવતા અન્ય એક મોટરસાયકલના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને જમણા હાથના ખભા પર તેમજ ડાબા હાથની હંસડીના ભાગે ફ્રેક્ચર થવા જેવી ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે બંને પગમાં છોલાયું હતું.બીજી ઘટનામાં અમરેલીના જેશિંગપરા પુલ પાસે રોંગ સાઈડમાં આવતી બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. પીઠડીયા ગામના અમિતભાઈ રામજીભાઈ વાળા (ઉ.વ. ૩૪)એ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ પોતાની બોલેરો ફોર-વ્હીલર ગાડી લઈને અમરેલીથી બગસરા તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ અમરેલીના જેશિંગપરાનો પુલ ઉતરવાના હતા, ત્યારે જ સામેથી રોંગ સાઈડમાં ધસી આવતા એક મોટરસાયકલ ચાલકે બોલેરો ગાડી સાથે પોતાનું બાઈક ભટકાવ્યું હતું. સામેથી આવતા બાઈકને જોઈને તેમણે બ્રેક મારી દીધી હતી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે બોલેરો ગાડીની એરબેગ ખુલી ગઈ હતી. એરબેગ ખુલવાના કારણે તેમને છાતીના ભાગે મૂઢ માર વાગ્યો હતો.
આ ઉપરાંત ડાબા હાથ પર છોલાયું હતું અને જમણા હાથના અંગૂઠા પાસે ફ્રેક્ચર થયું હતું.