રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં બાળકીના મોતના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. આયુષી બલદાણીયાના મોત કેસમાં હોસ્ટેલના સંચાલક અને માલિકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપી જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આયુષી બીમાર હોવા છતાં હોસ્ટેલના જવાબદારોએ તેની તબિયત અંગે જરૂરી ગંભીરતા દાખવી નહોતી તેમજ સમયસર સારવાર પણ કરાવી નહોતી. આરોપ છે કે સંચાલકોની બેદરકારીના કારણે બાળકીની તબિયત વધુ લથડી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
પોલીસે બેદરકારી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી
આલ્ફા હોસ્ટેલમાં બનેલી એક દુઃખદ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ૯ વર્ષની આયુષી બદલાણીયાના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર આયુષી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતી, છતાં હોસ્ટેલ સંચાલકોએ સમયસર યોગ્ય સારવાર કરાવી નહોતી. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આયુષી છેલ્લા ૧૫ દિવસથી બીમાર હતી. આ દરમિયાન તેની તબિયત સતત ખરાબ થઈ રહી હોવા છતાં હોસ્ટેલ સંચાલકો દ્વારા તેને દવાખાને લઈ જવામાં આવી નહોતી. સૌથી ગંભીર બાબત એ છે કે બાળકીની તબિયત અંગે પરિવારને પણ સમયસર જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે માતા-પિતા પોતાની દીકરીની સ્થિતિ વિશે અજાણ રહ્યા હતા.
પરિવારના જણાવ્યા મુજબ જ્યારે આયુષીની તબિયત વધુ લથડી ગઈ ત્યારે જ તેમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ફોન મળ્યા બાદ પિતાએ તાત્કાલિક સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે સૂચના આપી હતી. જોકે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સારવાર દરમિયાન આયુષીનું મોત થઈ ગયું હતું. આ દુઃખદ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે પિતા રાજકોટ પહોંચે તે પહેલાં જ તેમની દીકરીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
દીકરીના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ અને ટ્યુશન સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમના કહેવા મુજબ જો સમયસર સારવાર કરાવવામાં આવી હોત અને પરિવારને યોગ્ય સમયે જાણ કરવામાં આવી હોત તો કદાચ આયુષીનો જીવ બચી શક્્યો હોત. પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરી છેલ્લા ૧૦ દિવસથી વધુ ગંભીર રીતે બીમાર હતી, છતાં સંચાલકો દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી.
ઘટનાને લઈને પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. તેઓ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દીકરીનો મૃતદેહ સ્વીકારશે નહીં. આ માંગને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા અને રોષનો માહોલ જાવા મળી રહ્યો છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.









































