સુરત મહાનગરપાલિકા દ્વારા નાસિરનગરમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ ‘ભૂતિયા ડિમોલેશન’ પ્રકરણમાં આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલને આધારે પાલિકાએ પાંચ જવાબદાર ઈજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજમોકુફી) કરી દીધા છે.
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા નાસિરનગરમાં વહીવટી તંત્રની જાણ બહાર અથવા ગેરરીતિપૂર્વક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને સ્થાનિક સ્તરે ‘ભૂતિયા ડિમોલેશન’ તરીકે ઓળખવામાં આવી હતી. આ ઘટનામાં પાલિકાના કર્મચારીઓની સંડોવણી અને ગંભીર બેદરકારી સામે આવતા ભારે વિરોધ અને હોબાળો મચ્યો હતો. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
તપાસ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ડિમોલેશનની પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને અધિકારીઓની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જણાઈ આવી હતી. તપાસ નિષ્પક્ષ અને તટસ્થ રીતે આગળ વધે તે હેતુથી સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા સત્તાવાર રીતે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓની યાદી..
ક્રમ અધિકારીનું નામ હોદ્દો
૧ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઈજનેર
૨ જયાંગ જીવનરામજીવાલા કાર્યપાલક ઈજનેર
૩ અર્પણ પરમાર ડેપ્યુટી ઈજનેર
૪ મોનિક ગઢીયા આસિસ્ટન્ટ ઈજનેર
૫ નરેશ ગલચર જુનિયર ઈજનેર
નોંધનીય છે કે, સસ્પેન્શનની આ કાર્યવાહી બાદ હવે પાલિકા તંત્ર દ્વારા ખાતાકીય તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ રિપોર્ટના અંતિમ તારણો અને જવાબદારી નક્કી થયા બાદ આ અધિકારીઓ સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ પાલિકાના વહીવટી માળખામાં ફેલાયેલી બેદરકારીને ખુલ્લી પાડી છે. આ કડક નિર્ણયથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે.