વાંકિયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારોના ૬૦ બાળકો માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા ‘વિઝન ફોર વાઇલ્ડ લાઇફ’ પ્રોગ્રામ અંતર્ગત આ બાળકોને કાળઝાળ ગરમીમાં શાળાએ અપ-ડાઉન કરતી વખતે તડકાથી રક્ષણ મળે તે હેતુસર ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને નિયમિત શાળાએ આવવા પ્રોત્સાહિત કરવાની સાથે સુરક્ષા અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. વાડી વિસ્તાર, નદીકાંઠે કે ઝાડી-ઝાંખરામાં એકલા ન જવા, કૂવા અને કુંડીથી દૂર રહેવા તેમજ સરીસૃપ અને અન્ય જીવજંતુઓથી સાવધ રહી જોખમો ઘટાડવા સમજણ અપાઈ હતી. આ કાર્યક્રમમાં ટોપીના દાતા અને જળ સિંચાઈ વિભાગના નિવૃત્ત ઉપસચિવ રમેશભાઈ પરસોતમભાઈ પેથાણી (અમદાવાદ, મૂળ ગાવડકા)ના ઉમદા સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.