ખાંભાના જામકા ગામે “હું તમારા ઓટા ઉપર ક્યાં બેઠો છું?” તેમ કહેતા એક યુવકને મા-બહેન સમાણી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સાગરભાઇ ઉર્ફે નાનુ જીકુભાઇ બાંભણીયા (ઉ.વ. ૨૬) એ શાંતિભાઇ વાલજીભાઇ સોંદરવા, વાલજીભાઇ ડાયાભાઇ સોંદરવા, હંસાબેન વાલજીભાઇ સોંદરવા તથા ગૌતમભાઇ પાંચાભાઇ સોંદરવા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાગરભાઇ ગામના હિંમતભાઈ મંગાભાઈ ખસિયાની દુકાનના ઓટા ઉપર બેઠા હતા, ત્યારે શાંતિભાઇએ તેમને ત્યાં બેસવાની ના પાડી હતી. સાગરભાઇએ વળતો જવાબ આપતા કહ્યું કે, “હું તમારા ઓટા ઉપર ક્યાં બેઠો છું?” આ વાત શાંતિભાઇને ન ગમતા, તેમણે વગર વાંકે જાહેર રસ્તા પર બીભત્સ ગાળો આપી હતી.આ ઉપરાંત, આરોપીઓએ સાગરભાઇ સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ તેમને નીચે પછાડી દઈ, શર્ટ ફાડી નાખી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. જતી વખતે આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.