દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામેથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરૂણ ઘટનામાં ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે માતા અને એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડભેટ ગામના સીમાડે રહેતી ચંપાબેન રાઠવા નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મહિલાએ પોતાના ચાર સંતાનો ૧૨ વર્ષની પ્રિયંકા, ૫ વર્ષનો ગિરિરાજ, ૨ વર્ષનો રાજવીર અને પુત્રી સવિતા સાથે ગામના સીમાડે આવેલા એક કૂવામાં પડતું મુક્યો હતું.
ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક કૂવા પાસે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કૂવામાંથી તમામ પાંચેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જાકે, કમનસીબે પ્રિયંકા, ગિરિરાજ અને રાજવીરનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
માતા ચંપાબેન અને તેમની અન્ય એક પુત્રી સવિતાને જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બંનેની હાલત નાજુક હોવાથી તેમને તાત્કાલિક દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
એક જ પરિવારના ત્રણ બાળકોના મોતના સમાચાર વહેતા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં માતમનો માહોલ જાવા મળી રહ્યો છે. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. મહિલાએ આટલું મોટું અને આઘાતજનક પગલું કેમ ભર્યું તે પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, આત્મહત્યા પાછળ કૌટુંબિક કલેશ છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.