ડિજીટલ એરેસ્ટના બનાવો બનતા અટકાવવા માટે અનેક પ્રયત્નો અને માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તે છતાંપણ લોકો ડિજીટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે. શહેરના વધુ એક વૃદ્ધાને ડિજીટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ ૫ લાખ ૩૧ હજાર રૂપિયા પડાવી લીધા છે. વૃદ્ધાને દિલ્હી ક્રાઇમબ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને તેમના આધારકાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો ઉપયોગ મની લોન્ડરિંગના કેસમાં થયો હોવાનું કહીને ધમકી આપી હતી.
શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય વૃદ્ધા ડિજીટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. ૧૫મી માર્ચના દિવસે વૃદ્ધાને વોટ્‌સઅપ પર વીડિયો કોલ આવ્યો હતો. પોલીસ યુનિફોર્મમાં એક શખ્સે પોતની ઓળખ મોહિત ઉર્ફે રાહુલ ગુપ્તા તરીકે આપી પોતે દીલ્હી ક્રાઇમબ્રાન્ચ ખાતેથી બોલતો હોવાનું કહ્યું હતું. વૃદ્ધાના આધારકાર્ડ પર બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ મની લોન્ડરીંગ કેસમાં કરવામાં આવ્યો છે. જા તમારે બચવું હોય તો કોર્ટ કેસ ફી આપવી પડશે. આમ ગઠિયાએ આ રીતે વૃદ્ધાને ધમકાવીને તેમના પરિવારની વિગત લઇ લીધી હતી.
તેમના ઘરે કોઇને આવવા દેવા નહીં કે તેમને કોઇના ઘરે જવું નહીં, જા કોઇને જાણ કરશે તો તરત જ તેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવશે. તેમના પુત્રોને શુટ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં ગઠિયાએ વૃદ્ધાના બેંક એકાઉન્ટ, પ્રોપર્ટી, ઘરેણા સહિત તમામ વિગતો મેળવી લીધી હતી. બાદમાં તેમની પાસેથી પાંચ લાખ ૩૧ હજાર રૂપિયા ટ્રાન્ફર કરાવ્યા હતાં. વીડિયો કોલ કરીને પૈસા માંગવા માટે આઇબી તથા સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી આપ્યા હતાં. જાકે વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.