બાબરા તાલુકાના સમઢીયાળા સેવા સહકારી મંડળીમાં રૂ. ૨,૫૩,૩૦૦ ની ઉચાપત અંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વહીવટદારે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મંત્રી અરજણભાઈ નાનજીભાઈ ખણેસા અને પ્રમુખ દેવાયતભાઈ નારણભાઈ હુંબલ સામે બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવી અંગત હેતુ માટે વાપરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બાબરાના પ્રિન્સિપલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલતા, ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરી શક્યો ન હતો. આથી કોર્ટે મંત્રી અરજણભાઈ ખણેસાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આ નિર્ણય સામે સરકારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજ આર. વી. બુખારી સમક્ષ ચાલેલી સુનાવણીમાં આરોપી તરફે સિનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી અને હરનીલ ત્રિવેદી રોકાયા હતા. તેમની ધારદાર દલીલોને ધ્યાને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટે સરકારની અપીલ નામંજૂર કરી મંત્રીના નિર્દોષ છુટકારાનો હુકમ કાયમ રાખ્યો છે.










































