સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જામનગર ભાજપમાં ભયાનક આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ટિકિટ ફાળવણીમાં પક્ષના મૂળ અને વફાદાર કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસ, આપ અને શિવસેનામાંથી આવેલા ‘આયાતી’ નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવતા શહેર સંગઠન સામે બગાવતનો સૂર ઉઠ્યો છે. નારાજ જૂથે ‘મૂળ ભાજપ’ ના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને શહેર સંગઠનની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
‘મૂળ ભાજપ’ ના નામે લખાયેલા આ વિગતવાર પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જામનગરમાં ભાજપની વિચારધારાની ‘હત્યા’ કરવામાં આવી રહી છે. મનપાની ૫૬ બેઠકોમાંથી ૨૧ ઉમેદવારો અન્ય પક્ષમાંથી આયાત કરાયેલા છે. ૧૮ ઉમેદવારો મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે. ૩ ઉમેદવારો ‘આપ’ અથવા શિવસેનામાંથી લાવવામાં આવ્યા છે. ૧૪ ઉમેદવારો તો એવા છે જે પક્ષના સક્રિય સભ્ય પણ નથી.
પત્રમાં કાર્યકરોની વેદના ઠાલવતા લખ્યું છે કે, જે કોંગ્રેસની ગુંડાગીરી સામે ભાજપના પાયાના કાર્યકરો આજીવન લડ્યા, આજે એ જ કોંગ્રેસીઓના પાપ ધોવા અને તેમના ઝંડા ઉઠાવવા માટે મૂળ કાર્યકરોને આદેશ અપાઈ રહ્યા છે. વરિષ્ઠ અને વફાદાર કાર્યકરોને ‘ઉંમર અને ટર્મની મર્યાદા’ જેવા નિયમો બતાવીને ઘરે બેસાડી દેવાયા છે, જ્યારે બીજી તરફ અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટ આપીને ‘નવો પરિવારવાદ’ ઊભો કરવામાં આવ્યો છે. નારાજ જૂથે પત્રની સાથે પુરાવા તરીકે વોર્ડ વાઈઝ આયાતી ઉમેદવારોની યાદી પણ બિડાણ તરીકે જાડી છે, જેમાં મુખ્ય નામ આ મુજબ છેઃ વોર્ડ નં. ૧ઃ કમળાબેન મકવાણા (મૂળ કોંગ્રેસી),વોર્ડ નં. ૩ઃ હેતલબેન અમેથીયા (પિતા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ, પોતે વોર્ડ નં. ૭ ના રહીશ),વોર્ડ નં. ૭ઃ શિતલબેન વાઘેલા (૨૦૧૫માં ભાજપ સામે લડીને જીતેલા મૂળ કોંગ્રેસી)
પત્રમાં લખ્યું છે કે, “અમે પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છીએ એટલે અત્યાર સુધી મૌન રહ્યા, પણ હવે મૌન રહીશું તો એ પક્ષ પ્રત્યેની ગદ્દારી ગણાશે.” હવે જાવાનું એ રહે છે કે દિલ્હી દરબાર આ બગાવતને શાંત પાડવા કેવા પગલાં ભરે છે.










































