શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત ૧૫૫માં ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમમાં પ્રમુખ કાનજીભાઈ ભાલાળા અને પહલ સોલારના ઝ્રસ્ડ્ઢ પરેશભાઈ શિંગાળાએ જીવનમાં સરળતાના મહત્વ પર પ્રકાશ પાડ્‌યો હતો. કાનજીભાઈએ જણાવ્યું હતું કે, સાદાઈ જીવનશૈલીમાં દેખાય છે, જ્યારે સરળતા વર્તન અને વ્યવહારમાં ઝળકે છે. પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ જો મનુષ્ય સરળ રહે, તો તે તેની સાચી મહાનતા છે. ગાંધીજી અને ડા. કલામ જેવા મહાનુભાવો તેની જીવંત સાક્ષી છે. અતિથિ વક્તા પરેશભાઈ શિંગાળાએ પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે, વ્યવસાયમાં પ્રગતિ માટે પણ સરળતા અનિવાર્ય છે. તેમણે સંયુક્ત પરિવારના મૂલ્યો અને લોહીમાં વણાયેલી સાદગીને સફળતાનું રહસ્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે શિંગાળા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે જમનાબા વિદ્યાર્થી ભવન માટે ૨૧ લાખનું દાન આપ્યું છે. કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ બદલ ચિત્રકાર નયનાબેન કાત્રોડિયાનું પણ અભિવાદન કરાયું હતું. અંતમાં ‘સરળતાનું પંચામૃત’ રજૂ કરવામાં આવ્યું, જે હકારાત્મકતા અને પારિવારિક સંબંધો જાળવવાનો સંદેશ આપે છે.