લાઠી તાલુકાના કાંચરડી ગામે કપાસિયા ખોળના વેપારીઓ સાથે ‘ગોપાલ એન્ડ કંપની’ નામે કમિશન એજન્ટ તરીકે કામ કરતા શખ્સ સામે રૂ. ૨૬ લાખથી વધુની રકમનો ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાનો ગુનો નોંધાયો છે.આ બનાવ અંગે નારણગઢ (નવાગામ)ના રહેવાસી મંગલસિંહ કુબેરભાઇ ખેર (ઉ.વ. ૩૬)એ હરિયાણાના હિસારના સુનીલકુમાર શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી દલાલે કાંચરડી ગામસ્થિત ‘પીતાંબર કોટેક્ષ’ ખાતેથી વેપારીનો વિશ્વાસ કેળવી ૧૫ દિવસની ઉધારીના ભરોસે કુલ રૂ. ૧૮,૧૦,૦૬૨નો કપાસિયા ખોળ મંગાવ્યો હતો. જેમાંથી બાકી નીકળતા રૂ. ૧૨,૧૧,૦૬૬ માટે ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીએ રકમ ચૂકવી નહોતી.આ ઉપરાંત, આ જ આરોપીએ ‘માતંગી કોટન ઈન્ડસ્ટ્રીઝ’ના સંચાલક/સાક્ષીનો વિશ્વાસ કેળવી ૧૫ દિવસની ઉધારી પર અલગ-અલગ બિલથી કપાસિયા ખોળ ખરીદ્યો હતો અને વારંવાર ઉઘરાણી કરવા છતાં બાકી નીકળતા રૂ. ૧૩,૯૨,૮૧૭ ચૂકવ્યા નહોતા.આમ, આરોપીએ ફરિયાદી તથા સાક્ષી બંને સાથે વિશ્વાસઘાત કરીને કુલ રૂ. ૨૬,૦૩,૮૮૩ની રકમ હડપ કરી લીધી હતી. ઘટના અંગે લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એમ. રાધનપરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.