રાજકોટમાં ટ્રાવેલ પેકેજના નામે લોકો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં ‘ફેસ્ટિવલ હોલીડે’ નામની ટ્રાવેલ પેઢી ચલાવતા અભિનવ પટેલ અને ધારા પટેલ સામે ૯ જેટલા લોકોને રૂ.૫૦ લાખથી વધુની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપી દંપતીએ વિદેશ પ્રવાસ અને સસ્તા આઇફોનની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ છે.પોલીસ ફરિયાદ મુજબ, અભિનવ પટેલ અને ધારા પટેલ પોતાની ‘‘ફેસ્ટિવલ હોલીડે’ પેઢી મારફતે વિયેતનામ, બાલી, મલેશિયા અને થાઇલેન્ડ જેવા લોકપ્રિય પ્રવાસ સ્થળોના આકર્ષક અને સસ્તા હોલીડે પેકેજની ઓફર આપતા હતા. ટૂર બુકિંગના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ એડવાન્સ તરીકે વસૂલવામાં આવતી હતી.
પ્રવાસ પેકેજ ઉપરાંત આરોપી દંપતીએ ગ્રાહકોને દુબઈના ડ્યુટી-ફ્રી કનેક્શન મારફતે બજાર કરતાં ખૂબ ઓછા ભાવે એપલ આઇફોન અપાવવાનો પણ દાવો કર્યો હતો. આ ઓફર પર વિશ્વાસ કરીને અનેક લોકોએ મોબાઇલ બુકિંગ માટે પણ લાખો રૂપિયા ચૂકવ્યા હતા.
ગ્રાહકોએ એડવાન્સ ચૂકવ્યા બાદ પણ ન તો વિદેશ પ્રવાસનું બુકિંગ થયું અને ન તો આઇફોનની ડિલિવરી મળી. જ્યારે ગ્રાહકોએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ બહાના બતાવતા રહ્યા. આખરે છેતરાયેલા લોકોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો.પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી ૯ લોકો સાથે રૂ.૫૦ લાખથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. પોલીસનું માનવું છે કે તપાસ આગળ વધતાં અન્ય પીડિતો પણ સામે આવી શકે છે અને ઠગાઈની રકમમાં વધારો થવાની શક્્યતા છે.
માલવીયાનગર પોલીસે અભિનવ પટેલ અને ધારા પટેલ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સંબંધિત કાયદાકીય કલમો હેઠળ હ્લૈંઇ નોંધાવી છે. હાલ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર વ્યવહાર, નાણાકીય લેવડદેવડ અને અન્ય સંભવિત પીડિતોની વિગતો એકત્ર કરીને વધુ તપાસ કરી રહી છે.







































