ધોરાજીના રાજકારણમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના અગ્રણીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, લોકશાહી અને બંધારણ બચાવવાની વાતો કરતી કોંગ્રેસ ભાજપની ‘બી-ટીમ’ તરીકે કામ કરી રહી છે. ધોરાજીમાં ભાજપને ફાયદો પહોંચાડવા માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ૨ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં ‘ભૂંડી ભૂમિકા’ ભજવી હોવાનો આરોપ લગાવ્યો છે. AAP અગ્રણીના જણાવ્યા અનુસાર, ભાદાજાળીયાની બેઠક બિનહરીફ કરવા માટે કોંગ્રેસના નેતાઓએ ભાજપના ઈશારે લાલચ અને દબાણની નીતિ અપનાવી છે. એક તરફ કોંગ્રેસના પોતાના ઉમેદવારો મેદાન છોડી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેઓ AAPના મજબૂત ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે. આ ઘટનાને ‘લોકશાહીની હત્યા’ ગણાવતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ હવે વિપક્ષની ભૂમિકા ભજવવાને બદલે ભાજપના એજન્ટ તરીકે સેટિંગ કરી રહી છે.આ મેલી મિલીભગતથી સાબિત થાય છે કે ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ તફાવત રહ્યો નથી. જનતા સાથેના આ વિશ્વાસઘાતને લોકો ક્યારેય માફ નહીં કરે તેવો સૂર આપ નેતાઓએ વ્યક્ત કર્યો છે.