બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની ૪૨મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન પાળિયાદ વિહળધામ ખાતે કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં સભાસદો, આગેવાનો અને વિવિધ શાખાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆના અધ્યક્ષસ્થાને તેમજ પૂ.વિસામણબાપુની જગ્યાના મહંત નિર્મળાબા અને સંચાલક ભયલુબાપુ ખાસ ઉપÂસ્થત રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન મંડળીના વર્ષ દરમિયાનના વહીવટી અહેવાલ, નફા-નુકસાનના હિસાબો, સરવૈયા તેમજ આગામી આયોજન અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. સભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ મંડળીનો ચોખ્ખો નફો ૭.૭૨ કરોડ રૂપિયા નોંધાયો હતો. ઉપરાંત આશરે ૧૯૦ કરોડ રૂપિયાની થાપણ અને ૧૨૦ કરોડ રૂપિયાનું ધિરાણ હોવાનું જણાવાયું હતું. સરકારના સહકારી નિયમોને અનુરૂપ સભાસદોને ૧૯ ટકા લેખે લાભાંશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંડળીની પારદર્શક કામગીરી, નાણાકીય શિસ્ત અને સતત વિકાસ માટે સંચાલન મંડળની પ્રશંસા કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રમાં મંડળીએ નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવાયું હતું. છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મોટી સંખ્યામાં સભાસદોને મળ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સહકારના માધ્યમથી ગ્રામ વિકાસ, આર્થિક સશક્તિકરણ અને સભાસદ કેન્દ્રિત કામગીરીને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંડળીના વિકાસમાં સભાસદોના વિશ્વાસ અને સહયોગને સૌથી મોટી તાકાત ગણાવવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીની સ્થાપનાથી જોડાયેલા પ્રારંભિક સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના આગેવાનો, સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, લોકપ્રતિનિધિઓ તથા સામાજિક આગેવાનોએ મંડળીની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. આ સાધારણ સભામાં ચલાલા દાનબાપુની જગ્યાના લઘુ મહંત ઉદયબાપુ, દાદાભાઈ વરૂ, આશિષભાઈ અકબરી, જયરાજભાઈ વાળા, રમેશભાઈ સુહાગીયા, બોટાદ પંથકના રાજકિય અને સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સાધારણ સભાને સફળ બનાવવા શાખા એમ.ડી. વિનુભાઈ રાદડીયા, મહેશભાઈ વ્યાસ, દિલીપભાઈ નેપાળી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન મંડળીના જનરલ એમ.ડી. નિતેષ ડોડીયા, સેક્રેટરી ડી.જી.મહેતા સહિતનાઓએ કર્યુ હતુ તેમ ફીલ્ડ ઓફિસર જયદીપ નાકરાણી અને આસી. જનરલ સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડની યાદી જણાવે છે.