દામનગર શહેરમાં જાહેર જનતાની સુરક્ષા સામે જોખમ ઊભું કરતી તંત્રની ઘોર બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના હવેલી અને સરદાર સર્કલ પાસે પાણીના નિકાલની જાળી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. ભૂરખીયા ચોકડી પાસે ડાયવર્ઝન હોવાથી આ માર્ગ પર હાલ વાહનોની સતત અવરજવર રહે છે, જેને કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસની વાતો કરતા નેતાઓ અને વહીવટી તંત્ર આ ગંભીર સ્થિતિથી વાકેફ હોવા છતાં દુર્લક્ષ સેવી રહ્યા છે. એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ જનતાની સલામતી પ્રત્યે તંત્ર બેદરકાર જણાય છે. કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તે પહેલાં આ જાળીનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.